ખેડા: ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના ગામોમાં દીપડા લટારો મારતા જોવા મળે છે. દીપડા આંટાફેરા કરી પશુઓનું મારણ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં દહેશત ફેલાવા પામી હતી. વિસ્તારના ગ્રામજનો સહિત ખેડૂતો સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા હતા. દીપડાના વધતા આંટાફેરાને લઈ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા હતા. વિસ્તારમાંથી પખવાડિયામાં એક પછી એક એમ બે દિપડા પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે દહેશત ફેલાઈ: ગળતેશ્વર તાલુકાના થર્મલ, સાગોલ, કૂણી, વનોડા, સોનીપુર ગામોના સીમ વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યાં હતા. દીપડાએ કેટલાક પશુઓનું પણ મારણ કર્યું હતુ. જેને કારણે ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ હતી. ગ્રામજનો સતત ભયના ઓથાર તળે જીવવા મજબૂર બન્યા હતા. સાંજ પડતાં ગામોમાં સન્નાટો ફેલાઈ જતો હતો. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા. દીપડાને પાંજરે પુરવા ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરાઈ હતી.
દીપડો પાંજરે પુરાયો (Etv Bharat Gujarat) પખવાડીયામાં બે દીપડા પાંજરે પુરાયા: વન વિભાગ દ્વારા 25 નવેમ્બરથી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરા મુકવામાં આવ્યા હતા. જેમાં એક દિપડો નવ ડિસેમ્બરના રોજ સાગોલ ગામની સીમમાંથી પાંજરે પુરાયો હતો. જો કે તે બાદ ગ્રામજનોએ બીજો દીપડો હોવાની પણ શંકા વ્યક્ત કરાતા પાંજરા રાખવામાં આવ્યા હતા. જ્યાં 30 ડિસેમ્બરના રોજ થર્મલ પાવર સ્ટેશન પાછળ બીજો દીપડો પણ પાંજરે પુરાયો હતો. પખવાડીયામાં એક પછી એક એમ બે દીપડા પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શિકારની શોધમાં દીપડા આવતા: આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજય પટેલે જણાવ્યુ હતું કે પાંજરા ગોઠવતા એક દીપડો નવ તારીખે પકડાયો હતો.ત્યાર બાદ ત્રીસ તારીખે બીજો દીપડો પકડાયો હતો. અગાઉ જે દીપડો પકડાયો હતો તેણે ત્રણ ચાર પશુઓનું મારણ કર્યું હતુ.દીપડાઓ દ્વારા કોઈ માણસ પર હુમલો કરાયો નથી. મહીસાગર જીલ્લાના નદી વિસ્તારમાંથી શિકારની શોધમાં આ દીપડા ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હતા.હાલ હવે એવી કોઈ ભાળ મળી નથી.
આ પણ વાંચો:
- પોરબંદરઃ ત્રણ માસથી આતંક મચાવનારો દિપડો પાંજરે પુરાયો