નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ઝારખંડના મંત્રીની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. જેમાં સગીર દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કર્યા બાદ શરૂ કરાયેલા ફોજદારી કેસને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ મામલો જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ બેન્ચે ઝારખંડ સરકારના મંત્રી ઈરફાન અંસારીના વર્તન પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. બેન્ચે કહ્યું કે, તમે દરેક વસ્તુ માટે પ્રચાર ઈચ્છો છો. આ ફક્ત પ્રચાર માટે હતું. કાયદા હેઠળ અનિવાર્ય જરુરિયાતોનું પાલન કરવામાં નથી આવ્યું.
બેન્ચે જણાવ્યું કે, પોતે મંત્રી હોસ્પિટલમાં પીડિતાને મળવા જઇ શક્યા હોત અથવા તો પોતાની સાથે એક વ્યક્તિને લઈ જઈ શક્યા હોત. બેન્ચે સ્પષ્ટતા કરી કે, તે આ અરજીની સુનવણી કરવા ઈચ્છુક નથી. અરજદારના વકીલે કોર્ટને વિનંતિ કરી હતી કે, અરજી પાાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે, જેને કોર્ટે સ્વીકાર કરી હતી.
મંત્રી ઈરફાન અન્સારીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઝારખંડ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેને IPC અને POCSO એક્ટની જોગવાઈઓ હેઠળ આરોપો ઘડવાના દુમકા કોર્ટના નવેમ્બર 2022ના આદેશને રદ કરવાનો ઈનકાર કર્યો હતો. અરજદાર અને તેના સમર્થકોએ ઓક્ટોબર 2018માં પીડિતા અને તેના પરિવાર સાથે એકતા દર્શાવવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રી પર આરોપ છે કે, અરજદારે પીડિતાનું નામ અને તસવીર મીડિયા સાથે શેર કરી હતી.
આ પણ વાંચો: