અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જ્યાં ભારતીય ટીમ 356 જેટલો મોટો સ્કોર ઊભો કર્યો. ભારત માટે ગિલે સદી ફટકારી જ્યારે કોહલી અને ઐયરે અડધી સદી ફટકારી. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ સૌથી સફળ બોલર રહ્યો, તેણે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ લીધી.
મેચની વાત કરીએ તો, ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને તેમનો નિર્ણય સાચો સાબિત થયો જ્યારે ભારતે રોહિત શર્માના રૂપમાં માત્ર 6 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. ગયા મેચમાં સદી ફટકારનાર રોહિત ફક્ત એક રન બનાવી શક્યો.
ત્યારબાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ભારતને મેચમાં પાછું લાવ્યું અને બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી. કોહલીએ ૫૨ રનની શાનદાર ઇનિંગ રમી અને ગિલે 112 રનની ઇનિંગ રમી. ગિલે 102 બોલનો સામનો કર્યો, જેમાં તેણે 14 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ, ઐયરે 64 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા. અંતમાં, કેએલ રાહુલે 29 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 40 રનની ઝડપી ઇનિંગ રમી.
પ્રથમ દાવ પૂર્ણ થાય બાદ ચાહકોનો ઉત્સાહ:
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 20,000 હજારથી વધુ લોકો ભારત - ઈંગ્લેન્ડ અંતિમ વનડે મેચ જોવા માટે આવ્યા હતા. ETV Bharat સાથે ચાહકોએ તેમના મેચ વિષે વાત કરતાં જણાવ્યું કે, 'અમને આશા ન હતી કે ભારત આટલું સારું બેટિંગ પ્રદર્શન કરશે, આ સિવાય તેમણે શુભમન ગિલ અને વિરાટ કોહલી ની ધમાકેદાર બેટિંગ ખૂબ જ રોમાંચક લાગી હતી. આ ઉપરાંત હાર્દિક પંડયા દ્વારા મેદાનમાં આવતા જ જોરદાર 2 સિક્સ મારી હતી તેનાથી ચાહકો વધુ ઉત્સાહિત થઈ ગયા હતા. એક ચાહકે કહ્યું કે, ' અમને પૂરે - પૂરો વિશ્વાસ છે કે આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને ટ્રોફી જીતીને જ આવશે. ચાહકોએ સ્ટેડિયમમાં આવીને પૈસા વસૂલ મેચ જોવાની ઘણી મજા આવી હતી.
![નરેન્દ્ર મોદી સ્ટેડિયમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/23530170_2.jpeg)
ભારતીય ટીમ વિષે સ્પોર્ટ્સ એક્સપર્ટ શું કહે છે?
ETV Bharat ના સ્પોર્ટ્સ એક્સપર્ટ પરેશ દવેના અનુસાર 'આ સિરીઝ માં ભારતીય ટીમે બે વખત 300 થી વધુ રન કર્યા છે. પણ 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેટિંગ માટે કેટલાક ચિંતાજનક પડકારો છે. ભારતીય કપ્તાનની કટક ખાતેની સદીને બાદ કરીએ તો રોહિત શર્મા આઉટ સાઇડ ઓફ ધ સ્ટેમ્પ ની ડિલિવરી ફેસ કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેના ઓફ સાઇડ શોટ અને ડ્રાઈવ તેને આઉટ કરાવે છે. વિરાટ કોહલી આજની મેચમાં જ ફોર્મમાં આવ્યા છે પણ હજુ લેગ બ્રેક બોલરનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, 'સિરીઝ ની બે મેચો રમનાર વિરાટ કોહલી બંને મેચમાં રાઈટ આર્મ લેગ બ્રેક બોલર આદિલ રશીદ સામે એક સરખી જ ડિલિવરી માં આઉટ થયો છે. આ ખામી ચેમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન ભારતીય ટીમની બેટિંગ લાઇન અપમાં અસર પડશે. આ સાથે ભારતીય બેટિંગ લાઇન અપ માં ટેઈલ એન્ડરની ભાગીદારી પર કામ કરવા જેવું લાગી રહ્યું છે.'
આ પણ વાંચો: