જૂનાગઢ: શિયાળાની ઋતુમાં ખીચડી ખાવાનું પણ એક વિશેષ ચલણ હોય છે. શિયાળા દરમિયાન વિવિધ પકવાનો લોકો મન મૂકીને ખાતા હોય છે. પરતું તેમાં પણ ખીચડી એક અલગ પ્રકારે ભોજનમાં જગ્યા બનાવતી રહી છે. આ સંદર્ભે ખાસ શિયાળાને ધ્યાનમાં રાખીને દેશી અને જાડા ધાન્યો અને કેટલીક દાળોને મેળવીને ખિચડી બનાવવાનો પ્રોગ્રામ રચાયો હતો. અહીં બનાવેલી ખીચડી જોતા જ ટેસ્ટ કરવાનું મન થઈ જાય આ પ્રકારે ગિરનારમાં બનતી ગિરનારી ખીચડી કરતા ઘણી અલગ ખીચડી જોવા મળી હતી. જેમાં અનેક જાડા ધાન્યો અને દાળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મહિલાઓએ બનાવી અવનવી ખીચડી: જૂનાગઢમાં નારી શક્તિ મહિલા મંડળ દ્વારા ખાસ શિયાળાને ધ્યાનમાં રાખીને ખીચડી બનાવવાની એક રેસીપી તૈયાર કરી હતી. સામાન્ય રીતે જૂનાગઢમાં ગિરનારી ખીચડીનું ચલણ અને તેનું નામ સૌ કોઈની જીભે જોવા મળતું હોય છે. પરંતુ જાડા ધાન્યોમાંથી પણ અનેક પ્રકારે ખીચડી બનતી હોય છે. સામાન્ય રીતે ચોખા અને મગને મિશ્ર કરીને બનાવવામાં આવતી ખીચડી અનેક પ્રકારે બને છે. ન માત્ર ખીચડીના પ્રકાર અલગ અલગ હોય છે પરંતુ તેના સ્વાદ પણ સૌ કોઈને લલચાવે તેવા હોય છે.
ખિચડી બનાવવાની સ્પર્ધાનું આયોજન: જૂનાગઢની મહિલાઓ દ્વારા અવનવા પ્રકારે 15 કરતા વધુ જાતની અલગ અલગ ખીચડી બનાવીને શિયાળાની ઋતુમાં સૌ કોઈનું પ્રિયખાણું ખીચડીનો એક અનોખા કન્સેપ્ટ સાથે રજૂ કર્યો હતો. તેમજ જાડા ધાન્યો મહિલાઓ પોતાના ઘરમાં ઉપયોગ કરતી થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ ખીચડી બનાવવાની એક સામાન્ય પ્રતિસ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢની 15 કરતાં વધુ બહેનોએ અલગ અલગ પ્રકાર જાડા ધાન્યો અને શાકભાજીમાંથી ખીચડી બનાવી હતી.
વિવિધ શાકભાજી અનાજ અને કઠોળમાંથી બની ખીચડી: આજે જૂનાગઢની મહિલાઓ દ્વારા બાજરી ફણગાવેલા કઠોળ જેમાં ચણા, મગ, લીલા વટાણા, ચોળીની સાથે જુવાર, ચોખા, લીલી હળદર, પાલક, રીંગણ, દૂધી, બટાકા, લીલા વટાણા, ગાજર, કેપ્સીકમ, ચણાદાર અને કાંગ તેમજ જવ,બીટ, આદુ, વરિયાળી અને તુવેરદાળનો એક અનોખો સંયોગ રચીને એકદમ ટેસ્ટી ખીચડી બનાવાવમાં આવી હતી. સામાન્ય રીતે ખીચડીમાં જાડા ધાન્યો અને શિયાળામાં મળતા લીલા શાકભાજીનો ઉપયોગ કરીને ન માત્ર ખીચડીને અલગ પ્રકારે બનાવી હતી, પરંતુ તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ આ ખીચડી અનેક પ્રકારે પ્રોટીન વિટામિન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર માનવામાં આવે છે.
આ ખિચડીને ખાવાથી શિયાળામાં મોટાભાગના શાકભાજી અને અન્ય દાળ, કઠોળ અને જાડા ધાન્યોમાંથી પોષક તત્વો કોઈપણ વ્યક્તિને મળી શકે છે. સામાન્ય રીતે ઘણા એવા કઠોળ અને ધાન્ય તેમજ શાકભાજી હોય છે કે જેનું સીધું સેવન કેટલાક લોકો કરતા નથી જે શરીર માટે ઉપયોગી હોય છે, પરંતુ આ રીતે ખીચડીના રૂપમાં મિક્સ શાકભાજી, કઠોળ અને દાળનો ઉપયોગ કરીને ખીચડીનું સેવન કરવામાં આવે તો શિયાળા દરમિયાન તેને લાભપ્રદ માનવામાં આપે છે.
આયુર્વેદના તબીબોએ પણ ખીચડીને માન્યો શ્રેષ્ઠ આહાર: આયુર્વેદના તબીબો પણ ખીચડીને શ્રેષ્ઠ આહાર માને છે. બીમાર વ્યક્તિ પણ ખૂબ સરળતાથી ખીચડી ખાઈ શકે છે જે પચવામાં એકદમ હલકી હોય છે. જૂનાગઢના આયુર્વેદિક તબિયત ડોક્ટર અશ્વિન સાવલિયાએ ખીચડીને સંપૂર્ણ ખોરાક ગણ્યો હતો.
આયુર્વેદિક તબિયત ડોક્ટર અશ્વિન સાવલિયાએ કહ્યું કે, 'કોઈપણ બીમાર વ્યક્તિ ખીચડીને ખાઈ શકે તે પ્રકારની સરળ હોય છે. ઉપરાંત ગુજરાતનું આ વર્ષોથી ખવાતું આવતું વ્યંજન આજે આધુનિક સમયમાં તેના રંગ, રૂપ અને સ્વાદમાં ફેરફાર થયો છે, પરંતુ આજે પણ ખીચડી કે જેમાં શાકભાજી અને અન્ય જાડા ધાન્યો અને કઠોળ મેળવીને બનાવવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો તે કોઈપણ વ્યક્તિના આરોગ્ય માટે અને ખાસ કરીને શિયાળા દરમિયાન તેને લાભપ્રદ માનવામાં આવે છે.'
આ પણ વાંચો: