બનાસકાંઠા: પાલનપુર શહેરના કિર્તિસ્તંભ વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકાયેલી છે. આ પ્રતિમાના ચશ્મા વારંવાર કોઈ તીખળખોર દ્વારા ગાયબ કરી દેવામાં આવે છે અને ફરી તંત્ર કે સુભાષચંદ્ર બોઝ ઉજવણી સમિતિ દ્વારા ચશ્મા લગાવવામાં આવે છે. પરંતુ વારંવાર બનતી આ પ્રકારની ઘટનાને લઈને હવે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું વારંવાર અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આવા લોકો સામે વહેલી તકે કડક કાર્યવાહી થવી જોઈએ.
નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજની રચના કરીને "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" નું સૂત્ર આપી યુવાઓને આઝાદીની લડતમાં જોડવા આહવાન કર્યું હતું.
પરંતુ પાલનપુરમાં વારંવાર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અપમાન કરી તીખળખોર મજાક કરી રહ્યા છે. જે આઝાદીના વીર સપૂત સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું જ નહીં પણ દેશના ક્રાંતિકારીઓના એ બલિદાનનું પણ મઝાક કરતા હોય તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે.
કિર્તીસ્તંભ વિસ્તારમાં મૂકવામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની આ પ્રતિમા લોકોને આઝાદીમાં ક્રાંતિકારોએ આપેલા બલિદાન અને વીરસપૂતોએ દેશ માટે લડેલી એ આઝાદીની લડાઈની યાદ અપાવે છે. જોકે ટીખળખોરો આવા વીર સપૂતોની પ્રતિમાની પણ મજાક બનાવે છે. ત્યારે આવા ટીખળખોરોને ઝડપી લેવામાં આવે તેવી માંગ છે. મહત્વની બાબત એ છે કે નેત્રમ પોલીસ દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. એટલુંજ નહીં પણ કીર્તિસ્તંભ વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા પ્રતિમાની નજીકમાં જ લગાવવામાં આવ્યા છે પરંતુ આવા ટીખળખોર કેમેરામાં કેદ નથી થતા. આમ, પોલીસ આવા લોકો સામે કડકાઈ દાખવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
આ અંગે સુભાષચંદ્ર બોઝ ઉજવણી સમિતિના પ્રમુખ સાથે ટેલીફોનિક વાત કરતા તેમણે વહેલી તકે ચશ્માં લગાવવા સહિત નેતાજીની પ્રતિમાની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની વાત કરી હતી. ઉપરાંત આગામી દિવસોમાં નેતાજીની પ્રતિમાનું અપમાન ન થાય અને આવા ઈસમો કાયદાની સકંજામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: