રાજકોટ: આજના યુગમાં અનેક પ્રકારની છેતરપીંડી થતી જોવા મળે છે. હવે ઈન્ટરનેટ યુગમાં ડીજીટલ ચીટીંગ પણ થતી હોય છે પરંતુ રંગીલા રાજકોટમાં એવો અજીબોગરીબ છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને પ્રથમ દ્રષ્ટીએ વિશ્વાસ જ નહીં કરી શકો. હાલ લગ્નસરાની મોસમ પુરજોશમાં ચાલી રહી છે. અનેકવિધ સમાજ અને સંસ્થાઓ સમૂહ લગ્નના આયોજન કરતી હોય છે.
આવું જ એક આયોજન આજે રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં લગ્ન માટે 28 દીકરીઓના પરિવાર-સગા સ્નેહીઓ આવી ગયા હતા અને જાનૈયાઓ પણ વાજતે ગાજતે માંડવે આવી પહોંચ્યા ત્યારે ખબર પડી કે સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજકો જ ફરાર છે. સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરીને આયોજકો ફરાર થયા હતા. જેનો કોઈ અતોપતો નથી અને પછી જે થયું તે ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું.
સમૂહ લગ્નના પૈસા ઉધરાવી આયોજકો ફરાર થયા
રાજકોટ માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15 હજારથી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેથી છેતરપિંડી થયાનું લાગતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
દીકરીના પિતા એ વ્યથા ઠાલવી
રાજકોટથી દીકરાનાં લગ્ન કરવા આવેલા વિઠ્ઠલભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, સમૂહલગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો ફરાર થયા છે. દીકરીના લગ્ન એ પિતા માટે સૌથી મોટો ઉત્સવ હોય છે અને આવા ગઠિયાઓના કારસ્તાને અહીં આવેલા દરેક પિતાના હૃદય તોડી નાખ્યા હતા. જાન લીલા તોરણે પાછી જાય એ ક્ષણ એક પિતા અને લગ્ન માટે સજેલી દુલ્હન આવો આઘાત ક્યારેય સહન કરી શકે નહિ.

અરમાનો પર પાણી ફરી વળ્યું : દુલ્હન
લગ્ન માટે સોળે શણગાર સજેલી પ્રિયંકાબેન નામની કન્યાએ જણાવ્યું કે, અમે અહીં 5 વાગ્યાનાં આવ્યા હતા. પણ અહીં ખાલી મંડપ બાંધવા સિવાય કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ આયોજકો દેખાતા ના હતા. કેશોદથી અહીંયા આવ્યા હતા અને તેના જેવી 28 કન્યાઓના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. જેથી લગ્ન કરાવી કરીયાવર આપવાની વાત હતી તે મળે અન્યથા પરિવારે ભરેલા 30 હજાર પરત મળે તેવી માંગ કરી હતી.
પરિવારજનોએ પણ હતાશ થયા
જેઠની દીકરીનાં લગ્નમાં આવેલા શિલ્પાબેન બગથરીયા દ્વારા જણાવાયું હતું કે, આયોજકોએ બંને પક્ષ પાસેથી રૂ 15-15 હજાર લીધા હતા. અને લગ્ન કરવાની સાથે જ મસમોટો કરીયાવર આપવાની વાતો કરી હતી. સવારમાં 6 વાગ્યે અહીં અવશો એટલે બધું તૈયાર હશે તેવી વાતો કરવામાં આવી હતી. પણ અહીં આવ્યા ત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નહોતી. અને આયોજકો પૈકી કોઈપણ નહીં હોવાથી જાનો પાછી ગઈ હતી. અને બધાના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. લગ્ન કરાવવા આવેલા બ્રાહ્મણો પણ પાછા ચાલ્યા ગયા છે. આ અંગે આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તમામ દીકરીઓનાં લગ્ન કરીને કરિયાવર આપવામાં આવે તેવી અમારી માંગ છે.
દડવાથી ભાણેજનાં લગ્ન માટે આવેલા જયસુખભાઈએ જણાવ્યું હતું કે, આયોજકોએ 27 દીકરીઓનાં લગ્નનું આયોજન કર્યું હતું. અને બધા પાસેથી રૂ. 15થી 30 હજાર લીધા હતા. જોકે સવારે અહીં આવ્યા ત્યારે આ સ્થળે પાણીની પણ વ્યવસ્થા નહોતી. કોઈ આયોજક કે કાર્યકરો દેખાતા નથી. જેને લઈને લગ્નના ઉત્સાહ સાથે આવેલા લોકો વીલા મોઢે પરત ફરવા માટે મજબૂર બની ગયા છે. આવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવાય તે જરૂરી છે. હાલ પોલીસ આવી છે અને કેટલાક પોલીસ પાસે ફરિયાદ લખાવવા માટે ગયા છે. ત્યારે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
ભત્રીજાનાં લગ્ન માટે આવેલા મનીષાબેને જણાવ્યું હતું કે, અમે 30 હજાર રૂપિયા આયોજકોને આપ્યા હતા. અહીં આવ્યા તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી પરત ફરીએ છીએ. હવે કોઈ મંદિરમાં જઈને ફેરા સહિત બાકીની વિધિ પૂર્ણ કરાવીશું. આ ખરેખર ખૂબ જ મોટો અન્યાય છે. આ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. હાલ પોલીસ આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
અમાનવીય છેતરપીંડી વચ્ચે પોલીસ અને સંસ્થાઓએ માનવતા મહેકાવી
રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજ્કો ફરાર થઇ જતા પોલીસ ટીમો દોડી આવી હતી અને વરઘોડીયા પરિવારોની વ્યથા સમજી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો હતો 28 યુગલો લગ્નગ્રંથીથી જોડાનાર હતા પરંતુ અનેક પરિવારો ચાલ્યા ગયા હતા. ત્યારે હાજર રહેલ 7 નવદંપતીના લગ્ન પોલીસ અને સંસ્થાઓએ કરાવ્યા હતા. પોલીસે લગ્નની વ્યવસ્થા સાંભળી લીધી હતી અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા જમણવારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અન્ય સામાજિક સેવાભાવી કૃણાલભાઈએ કરીયાવરની વ્યવસ્થા કરી હતી 7 યુગલોના લગ્ન સંપન્ન થયા હતા. તેમજ ચાલ્યા ગયેલ દીકરીઓને પણ કરીયાવર પહોંચાડવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીએ જણાવ્યું હતું.
નવવધુને તમામ સહયોગ પોલીસે પૂરો પાડ્યો
એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, આજરોજ બનેલી આ ઘટના બાદ જેના લગ્ન કરવાના છે તેને તમામ સહયોગ આપવાની પોલીસની તૈયારી છે. રાજકોટ શહેર પોલીસની ટીમ દ્વારા આ લગ્ન કરાવવામાં આવશે. તેમજ આ ભોગ બનેલાઓની ફરિયાદના આધારે અયોજકોની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ આયોજકોને પણ ઝડપી લેવા પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે.
આ પણ વાંચો: