અમદાવાદ: ભારતના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2024 નું આયોજન 18થી 27 ઓકટોબર દરમિયાન મિઠાખડી સ્થિત લાયન્સ હોલમાં કરવામાં આવ્યું છે. સપ્તકના આ સંગીત સંકલ્પમાં દિગ્ગજ સંગીત માર્તંડ અને યુવા સંગીતકારો એક મંચ પર 10 દિવસ સંગીત સાધના કરશે જેમાં પ્રથમ દિવસે 10 જેટલા સંગીત સાધકો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
70 વધુ સંગીતના માર્તંડ અને નવા સંગીતકારોની સંગીત સાધના કરશે: ટોચના તબલા વાદક નંદન મહેતા અને જાણીતા સિતાર વાદક મંજુ મહેતાના પુત્રી તેમજ સપ્તકના ટ્રસ્ટી હેતલ મહેતાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે અહીં 29 મો સપ્તક સંગીત સંકલ્પ યોજાઈ રહ્યો છે. જેમાં ટોચના નામી 70 વધુ સંગીતના માર્તંડ અને નવા સંગીતકારોની સંગીત સાધના કરશે. વધુમાં હેતલ મહેતાએ વાત કરી હતી કે, આ વખતેનો સપ્તકનો સંગીત સમારોહ 'સંગીત સંકલ્પ સંસ્થા'ના નિર્દેશક મુકેશ ગર્ગ અને 'સપ્તક'ના સહ સંસ્થાપક વિદુષી મંજુ નંદન મહેતાને સમર્પિત છે.
'હું જે પણ કઈ છું સપ્તક થકી છું' - ગૌરવ પાઠક: વર્ષોથી સપ્તક સાથે જોડાયેલા અને મંજુ મહેતાના શિષ્ય ગૌરવ પાઠકે વાત કરતાં જણાવ્યું છે કે, 'મંજુબેન મહેતા પાસેથી મારી કલાસિકલની યાત્રા શરૂ થઈ હતી. વર્ષોથી હું સપ્તક સાથે પણ જોડાયેલો છું અને પ્રોગ્રામસ કરું છું.' વધુમાં ગૌરવભાઈએ કહ્યું હતું કે, 'મારા માટે આજે અત્યંત ખુશીની વાત છે કે જે સ્ટેજ પર આજ સુધી હું પર્ફોર્મ નથી કરી શક્યો તે સ્ટેજ પર આજે મારા દીકરાને જે મારો વિદ્યાર્થી પણ છે તેને પર્ફોર્મ કરવાની તક મળી છે.'
9 વર્ષના પ્રાંશુએ વાયોલિન વગાડ્યું: માત્ર 5 વર્ષની ઉંમરથી શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલ હાલ 9 વર્ષના પ્રાંશુ પાઠક જણાવે છે કે, 'હું 5 વર્ષનો હતો ત્યારથી જ મારા પિતા અને પ્રથમ ગુરુ પાઠક પાસેથી વાયોલિન શીખવાની શરૂઆત કરી હતી. આજે હું 9 વર્ષનો થયો છું અને વાયોલિન વગાડું છે. વધુમાં પ્રાંશુ પાઠકએ જણાવ્યું હતું કે, 'મેં બાગેશ્રીમાં આલાપ લીધો, વિલંબિત લય, મધ્ય લય અને અંતે વૈષ્ણવ જન લીધું હતું.'
'રિયાઝ કરો, રાજ કરો' - રાધિકા પરીખ: અમદાવાદ શહેરના શાસ્ત્રીય ગાયિકા રાધિકા પરીખે સંગીત પ્રત્યેનું પોતાના જોડાણની વાત કરતા કહે છે કે, તેમણે પોતાના પિતા વિકાસ પરીખ અને તેના દાદા સ્વર્ગસ્થ કૃષ્ણકાંત પરીખ પાસેથી તાલીમ મેળવી છે અને અત્યારે તેઓ શાસ્ત્રીય ગાયન કરે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 'પારિવારિક બેગ્રાઉન્ડ કારણે જન્મથી જ હું શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલી છું આજે સપ્તકના સંગીત સંકલ્પમાં પર્ફોર્મ કરવાની છું ત્યારે એક જ વાત કહીશ જે મારા પપ્પા હંમેશા કહેતા હતા કે "રિયાઝ કરો રાજ કરો."
નાનપણથી હાર્મોનિયમનો હરખ હતો, આજ સપ્તકમાં પર્ફોર્મ કરીશ: વોકલ અને હાર્મોનિયમ વાદક વેદાંત ત્રિવેદી જણાવે છે કે, તેઓ નાના હતા ત્યાંથી જ તેમને હાર્મોનિયમ શીખવાનો હરખ હતો અને સપ્તક થકી તેઓએ હાર્મોનિયમની તાલીમ મેળવી અને આજે સપ્તક દ્વારા સંગીત સંકલ્પમાં તેમને પર્ફોર્મ કરવા માટે સ્ટેજ આપવામાં આવ્યું છે ત્યારે તેઓ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો: