જુનાગઢ: પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે શક્તિ સ્વરૂપા જગતજનની મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. જુનાગઢમાં આવેલા અતિ પ્રાચીન ગિરનાર પર્વત પર મા અંબાના મંદિરમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરીને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી.
મા અંબાનો પ્રાગટ્ય દિવસ: પોષ મહિનાની પૂર્ણિમા એટલે કે પોષી પૂનમના દિવસે શક્તિ સ્વરૂપા જગતજનની મા જગદંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માતા પાર્વતીના અંશ રૂપે 52 ધાર્મિક સ્થળ પર શક્તિપીઠના રૂપમા મા જગદંબા બિરાજી રહ્યા છે, ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી આજે વહેલી સવારથી થઈ રહી છે. શિવપુરાણ અને ધાર્મિક માન્યતા અનુસાર, મહાદેવ અને માતા પાર્વતીનો જન્મ થયો નથી, પરંતુ તેમનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું છે. પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે માતા પાર્વતીના અંશ સમાન શક્તિ સ્વરૂપા મા જગદંબા અંબાનો પ્રાગટ્ય દિવસ છે.
પ્રાગટ્ય મહોત્સવ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી: માં જગદંબાના પ્રાગટ્ય મહોત્સવ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે, જેનો શિવપુરાણમાં વિશેષ ઉલ્લેખ થયો છે. પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે માતા પાર્વતીના પિતા દક્ષને ત્યાં યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મહાદેવને નિમંત્રણ નહીં મળતા મહાદેવનું થયેલુ અપમાન માતા પાર્વતી દ્વારા સહન નહીં થતાં તેમણે યજ્ઞ કુંડમાં પોતાની જાતને આહુતિ આપી હતી. જે જોઈને મહાદેવે માતા પાર્વતીના દેહને ખભા પર મૂકી તાંડવ શરૂ કર્યું હતું, ત્યારે શ્રી હરિ વિષ્ણુએ માતા પાર્વતીના દેહના તેમના ચક્ર વડે 52 ટુકડા કર્યા હતા. આ ટુકડા જે જગ્યા પર પડ્યા ત્યાં માતા પાર્વતીના અંશ સમાન શક્તિ સ્વરૂપેના જગદંબાના શક્તિપીઠની સ્થાપના થઈ હતી, ત્યારે ગિરનાર પર્વત પર માતા પાર્વતીના ઉદરનો ભાગ પડેલો હોવાને કારણે અહીં મા જગદંબા ઉદયન શક્તિપીઠ તરીકે દર્શન આપી રહ્યા છે.
પ્રાગટ્ય દિવસે મા અંબાના દર્શનનો વિશેષ મહિમા: દેવોના શક્તિપુંજ તરીકે દેવી શક્તિ મા અંબાના રૂપે આજે સમગ્ર જગત પર પ્રાગટ્ય થયા હતા. મા અંબાના પ્રાગટ્ય મહોત્સવ દિવસે તેમના દર્શન કરવાનો પણ વિશેષ ધાર્મિક મહત્વ દર્શાવવામાં આપ્યું છે. આજના દિવસે પ્રથમ પહોરમાં માતાજીની બાલ્ય મધ્યાને યુવા અને સાંજના સમયે વૃદ્ધાના વસ્ત્રોનું શણગાર કરવામા આવશે, વધુમાં આજના દિવસે મા અંબાને અન્નકૂટ અને રાજભોગ પણ ધરાવવામાં આવે છે. જેના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપૂર આવી રહ્યું છે, તો બીજી તરફ માતાજીના પ્રાગટ્ય દિવસે માતાના ગરબા નું ધાર્મિક આયોજન પણ વિશેષ મહત્વ રાખે છે. જેનો ઉલ્લેખ સનાતન ધર્મના ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. આજે જગત જનની મા જગદંબાના ચરણોમાં અન્નકૂટ રાજભોગ અને ગરબાનું આયોજન કરીને વિશેષ રૂપે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ગિરનાર પર્વત પર આવેલા મા અંબાજીના મંદિરમાં કરવામાં આવશે.
આ પણ વાંચો: