જૂનાગઢ : પતંગ રસિકો આખું વર્ષ જે દિવસની રાહ જોઈને બેઠા હોય છે, એ દિવસ મકરસંક્રાંતિ. આ મહાપર્વ ઉજવવા સમગ્ર દિવસ દરમિયાન પતંગ રસિકો ઘરની અગાસી પર પતંગ ચગાવે છે. જોકે, સતત સૂર્યપ્રકાશની હાજરીમાં રહેવાથી અલ્ટ્રા વાયોલેટ કિરણોની અસર શરીરના ખુલ્લા રહેતા ભાગો પર વિશેષ પ્રમાણમાં થાય છે. સૂર્યપ્રકાશથી બચવા અને ચામડીના રક્ષણ માટેની કેટલીક ટિપ્સ ચામડીના તજજ્ઞ તબીબ ડૉ. પૂજા ટાંકે આપી છે.
ત્વચાની સંભાળ કેવી રીતે રાખશો ?
ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો સમગ્ર દિવસ દરમિયાન આઠથી દસ કલાક ઘરની અગાસી પર પતંગ ચગાવતા જોવા મળે છે. જોકે, સતત સૂર્યપ્રકાશની હાજરીમાં રહેવાથી અલ્ટ્રા વાયોલેટ કિરણોની અસર શરીરના ખુલ્લા રહેતા ભાગો જેવા કે ચહેરો, ગળુ અને હાથ-પગ પર વિશેષ પ્રમાણમાં થાય છે. ઉત્તરાયણની મજા માણતા પતંગ રસિકોની ચામડીને સતત સૂર્યપ્રકાશની વચ્ચે રહેવા છતાં સૌથી ઓછું નુકસાન થઈ શકે છે, તેના માટેની કેટલીક ટિપ્સ...
ત્વચાના અનુરૂપ યોગ્ય લોશનનો ઉપયોગ કરો :
ડૉ. પૂજા ટાંકે જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસે સતત 8 થી 10 કલાક સૂર્યપ્રકાશની હાજરીમાં ઘરની અગાસી પર રહેલા પ્રત્યેક વ્યક્તિ તેમની ચામડીના સ્વભાવને અનુરૂપ લોશનનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોની ત્વચા ઓઈલી છે તેમણે જેલ બેઈઝ, જે વ્યક્તિની ત્વચા સૂકી છે તેમણે ક્રીમ બેઇઝ અને જે વ્યક્તિની ચામડી નોર્મલ છે તેવા લોકો લોશન અને ક્રીમ બેઇઝ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરી શકે છે.
માસ્ક અને ચશ્મા અવશ્ય પહેરવા :
ખાસ કરીને ચહેરો, ગળા અને હાથ-પગ પર સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે તેવું સનસ્ક્રીન ઉપયોગ કરવો જોઈએ. તો વધુમાં માથા પર ટોપી, ચહેરા પર માસ્ક અને આંખો પર ચશ્મા અવશ્ય પહેરવા જોઈએ, જેથી સૂર્યના અતિતીવ્ર કિરણોથી ચામડીને સૌથી ઓછું નુકસાન થઈ શકે.
દર બે કલાકે ક્લીન્ઝરનો ઉપયોગ કરવો:
જે પતંગ રસિકો દિવસ દરમિયાન આઠથી દસ કલાક અગાસી પર રહે છે, તેઓએ દર બે કલાકે સારા ક્લીન્ઝરથી પોતાનો ચહેરો, હાથ-પગ અને ગળુ સાફ કરવા જોઈએ. જેથી અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર સૌથી ઓછી થાય.
જો કોઈની ત્વચા અતિ સંવેદનશીલ હોય તો તમામ તકેદારી રાખવા છતાં પણ તેમની ત્વચાને નુકસાન થાય છે. જેના કારણે તેઓએ ચામડીના વિશેષયજ્ઞ અથવા તબીબની સલાહ લઈને આ દિવસો દરમિયાન થયેલા ચામડીના નુકસાનનો ઉપચાર પણ કરવો જોઈએ.