ગીરસોમનાથ: ભેજાબાજો ક્યારેક સામાન્ય લોકો તો ઠીક પરંતુ સરકારી તંત્રની આંખમાં પણ ધૂળ નાખીને છેતરપિંડી કરવાનું ચુકતા નથી. આવો જ એક કિસ્સો ગીરસોમનાથ જિલ્લામાંથી ઉજાગર થયો છે.
કોડીનાર તાલુકાના કડવાસણ ગામમાં બોગસ આંગણવાડી સામે આવી છે. સરકારી સર્વે નંબર પર ખાનગી ટ્રાન્સપોર્ટ ઊભું કરીને તેમાં લોકોને છેતરવા માટે આંગણવાડીનું બોર્ડ લગાવીને કારસ્તાન કરવામાં આવી રહ્યું હતું. સમગ્ર મામલો તાલુકા વહીવટી તંત્રને ધ્યાને આવતા અહીં તપાસ કરતાં બોગસ આંગણવાડીનો ખુલાસો થયો છે
બોગસ આંગણવાડી ઝડપાઈ
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામમાં સરકારી સર્વે નંબર 26 પર ખાનગી ટ્રાન્સપોર્ટ ઉભું કરીને તેમાં છેતરપિંડી આચરવા માટે આંગણવાડીનું બોર્ડ લગાવવાના કારસ્તાનનો ખુલાસો થયો છે.
સમગ્ર મામલામાં તાલુકા વહીવટી તંત્ર અને સીડીપીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓએ આંગણવાડીના સ્થળ પર તપાસ કરતા જે જગ્યા પર આંગણવાડી ચાલી રહી છે, તેનો હકીકત પુરાવો શોધતા સમગ્ર મામલામાં આંગણવાડી બોગસ હોવાનું સામે આવતા તાલુકા મામલતદાર અને સીડીપીઓ દ્વારા તપાસ શરૂ કરીને બોગસ આંગણવાડીનો ખુલાસો કર્યો છે.

તલાટી અને સરપંચ પાસેથી મેળવાઈ વિગતો
તાલુકા મામલતદાર ડી.જી.વરમોરા અને સીડીપીઓ કચેરીના અધિકારી અને કર્મચારીની બનેલી ટીમ દ્વારા સરકારી સર્વે નંબર 26 તપાસ કરતા આંગણવાડી ખોટી હોવાનું સામે આવ્યું છે, આ મામલાની તપાસ તલાટી કમ મંત્રી અને સરપંચને તમામ આધાર પુરાવા અને વિગતો આપવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સમગ્ર મામલામાં જે જગ્યા પર હાલ બોગસ આંગણવાડી ચાલી રહી છે, તે સરકારી જમીન નેશનલ હાઈવે ઓથોરિટીને નવો માર્ગ બનાવવા માટે સંપાદન કરીને આપવામાં આવી હતી. આવી જગ્યા પર કેટલાક લોકોએ બદ ઇરાદા સાથે પહેલા ખાનગી ટ્રાન્સપોર્ટ ઉભુ કરીને તે બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ લગાવીને ગેરકાનૂની કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ ?

સમગ્ર મામલામાં વહીવટી તંત્ર દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે, આંગણવાડી બોગસ ઊભી કરવા પાછળનો ધ્યેય અને અહીંથી કોઈ ગેરકાનુની કૃત્યો થયા છે કે કેમ તેને લઈને પણ હવે વહીવટી તંત્ર તપાસ કરશે.