કોડીનાર: કોડીનાર તાલુકાના કડવાસણ ગામમાં સરકારી સર્વે નંબર 26માં ખાનગી ટ્રાન્સપોર્ટ ઉભી કરીને તેમાં બોગસ આંગણવાડીનું બોર્ડ લગાવીને સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો છે. તેવી વિગતો પ્રાપ્ત થતા ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરતા આંગણવાડી બોગસ અને સરકારી જમીન પર હોવાનું સામે આવ્યું હતું. જેને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં તોડી પાડવામાં આવી છે.
સરકારી જમીન પર બનેલી આંગણવાડી જમીનદોસ્ત
કોડીનાર તાલુકાના કડવાસણ નજીક નેશનલ હાઇવેની એકદમ નજીક સરકારી સર્વે નંબર 26 પર પાકુ બાંધકામ કરીને તેમાંથી ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. સરકારી જમીન પર આ પ્રકારના બાંધકામમાં કોઈને શંકા ન જાય તે માટે આંગણવાડીનું ભૂતિયા બોર્ડ લગાવીને વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી હતી. સમગ્ર મામલો ગઈકાલે પ્રકાશમાં આવતા જિલ્લા વહીવટી તંત્ર અને કર્મચારી અને અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી હતી. સરકારી તપાસમાં આંગણવાડી બોગસ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં જે જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું હતું તે સરકારી સર્વે નંબર 26 શ્રી સરકાર હસ્તકની જમીન હોવાનું પણ સામે આવતા આજે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ દ્વારા ગેર કાયદેસર આંગણવાડી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

નેશનલ હાઇવે માટે અપાઈ હતી સરકારી જમીન
ભાવનગર અને પોરબંદરને જોડતા માર્ગ પર રાષ્ટ્રીય ધરીમાર્ગ બનાવવા માટે છઠ્ઠી ફેબ્રુઆરી 2015 ના રોજ સરકારી જમીન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધીકરણને આપવા માટે સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન પર ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. વર્ષ 2023 માં દબાણકર્તા દ્વારા એડ હોક વળતર ચૂકવવા માટે કલેક્ટર તંત્રમાં રજૂઆત કરી હતી. પરંતુ સમગ્ર મામલો જમીન ગેરકાયદેસર દબાણ હોવાને કારણે નેશનલ હાઈવે દ્વારા 10 એપ્રિલ 2017ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ ગેર કાયદેસર દબાણ કરનાર કોઈપણ વ્યક્તિને એડહોક વળતર ચૂકવવાની કોઈ જોગવાઈ ન હોવાનુ પણ સામે આવ્યું હતું.

કેટલાક વર્ષથી નેશનલ હાઈવે જમીનની કરી રહી હતી માંગ
સોમનાથ કલેક્ટર ડી. ડી. જાડેજા દ્વારા સમગ્ર મામલામાં જાહેર માધ્યમમોને વિગતો આપવામાં આવી હતી. તે મુજબ સરકારી સર્વે નંબર 26માં કરવામાં આવેલું બાંધકામ સો ટકા ગેરકાયદેસર હોવાને કારણે તેને આજે તોડી પાડવામાં આવ્યું છે. વધુમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલી જમીનનો કબજો મળે તે માટે રોડ સેફ્ટી કમિટીમાં ચાર વખત માંગણી પણ કરવામાં આવી હતી તેમ છતાં દબાણકારો દ્વારા જમીન ખુલી કરવામાં આવી ન હતી. ત્યારે ગઈકાલની સ્થળ તપાસ બાદ આજે સરકારી જમીન પર કરેલું તમામ બાંધકામ ગેરકાયદેસર હોવાનું સામે આવતા તેને આજે દૂર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: