અમદાવાદ: અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા ગોમતીપુર વોર્ડમાં આવેલા હાથીખાઈ કાળીદાસ મિલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધીનો જાહેર માર્ગ Re.D.P.ના ભાગરૂપે પહોળો કરવા કોર્પોરેશન દ્વારા ડીમાર્કેશન કરવામાં આવ્યું છે અને કાલિદાસથી અંબિકા હોટલ સુધી 150 જેટલી કમર્શિયલ દુકાનો અને કેટલાક મકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી અને આ જગ્યા ખાલી કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આજે આ જગ્યા પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રોડ પહોળો કરવા ડિમોલિશનની કામગીરી
ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાલિદાસથી અંબિકા હોટલ સુધી 150 જેટલી કોમર્શિયલ દુકાનો અને કેટલાક મકાનોને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ 31 જાન્યુઆરી 2025થી આપવામાં આવી અને આ જગ્યા ખાલી કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જે પૈકી સ્થાનિક કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ચારતોડા કબ્રસ્તાનની જગ્યા મોટા પ્રમાણમાં કપાતમાં આવી છે.
1 ફેબ્રુઆરીએ નોટિસ અપાઈ હતી
આ વિસ્તારના સ્થાનિકે જણાવ્યું હતું કે, હું કરિયાણાનું દુકાન ચલાવું છું અમારા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના દિવસે બધી જ દુકાન ઉપર નોટિસ લગાવવામાં આવી હતી અને પંદર દિવસની અંદર દુકાન કટીંગ કરવાની નોટિસ આપવામાં આવી છે અને આજે અંતે ડિમોલેશન કાર્યવાહી કરવા એ કરવામાં આવી રહી છે. અમારી માંગ છે કે જે લોકોની દુકાનો અને મકાનો લીગલ છે એને સરકાર વળતર આપે કે બીજી જગ્યા દુકાન આપે.
સ્થાનિકોને વળતર આપવાની માંગ
આ મુદ્દે સામાજિક કાર્યકર્તા આમિર ખાન પઠાણે જણાવ્યું હતું કે, અહીંયા 1 તારીખે નોટિસ લગાવવામાં આવી હતી. આ માટે આ લોકો કોર્ટ સુધી પણ ગયા છે. 2006થી આ મામલો ચાલી રહ્યો છે અને હવે આ ગરીબ લોકો ક્યાં જશે? હવે રમજાન માસમાં એ લોકો કેવી રીતે રહેશે એ મોટો પ્રશ્ન છે એટલે મારી માંગ છે કે આ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે અને લીગલ બાંધકામ વાળાને વળતર આપવામાં આવે.

120 દુકાન-45 મકાન દૂર કરવાની કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતુ, પૂર્વ ઝોન ટી.પી નં 16 (શહેર કોટડા)માં કાલીદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા રેસ્ટોરન્ટ ચાર રસ્તા સુધીનો રસ્તો પહોળો કરવા માટે જી.પી.એમ.સી એક્ટની 1949ની કલમ 212(2), 213ની નોટિસની અમલવારી મુદ્દે એસ્ટેટ વિભાગના અધિકારી ખોડીદાસ ચૌહાણે જણાવ્યું હતું કે, અગાઉ 2007/2008માં નોટિસ આપવામાં આવી હતી. આ રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત આ બાંધકામો તોડવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જી.પી.એમ.સી એક્ટ 212 સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી. Re.D.P. રોડ લાઈન માટેની નોટિસ આપવામાં આવી હતી. જેની અમલવારી આજે અમે કરી રહ્યા છીએ. જેમાં આજે 45 રેસીડેન્સિયલ બાંધકામ, 120 કોમર્શિયલ બાંધકામને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગોમતીપુરના કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, ગોમતીપુરમાં ટીપી 16માં 30.5 મીટર જગ્યા પહોળા કરવા માટે આજે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારી માંગ હતી કે રમજાન પછી આ કાર્ય કરવામાં આવે. પરંતુ તે પહેલા જ અહીંયાના બાંધકામ દૂર કરવામાં આવ્યા. ગરીબોના મકાનો પર બુલડોઝલ ચલાવવામાં આવ્યો એટલે અમારી માંગ છે કે જે લોકોના મકાનો અને દુકાનો લીગલ હતા એમને વળતર આપવામાં આવે.
આ પણ વાંચો: