ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટેનું સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું હતું. આ વખતે રાજ્યનું 3,70,250 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જે ગત વર્ષ કરતા 37,785 કરોડ રૂપિયા વધારે છે. બજેટમાં આ વખતે સ્ટેમ્પ ડ્યૂટી અને ટેક્સના દરોમાં ઘટાડો કરીને નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. આ માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની જોગવાઈમાં સુધારા સાથેનું વિધેયક રજૂ કરવામાં આવશે.
સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી લોકોને ફાયદો થશે
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા કરી મિલકત ખરીદ વેચાણ પ્રક્રિયા માટે રાહત આપી છે. ભાવિમાં જંત્રી વધવાની છે એની સ્ટેમ્પ ડ્યુટી પર અસર કરશે.
- રાજ્યમાં વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમી લેખે હાલના 4.90 ટકા સ્ટેમ્પ ડ્યૂટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂ.200 સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે.
- ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની જોગવાઈ પ્રમાણે હાલ 1 કરોડ સુધીની લોનની રકમ માટેના ગીરો ખત પર 0.25 ટકા લેખે મહત્તમ રૂ.25,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે. જે ઘટાડીને હવે મહત્તમ રૂ.5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે. જેથી લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે.
- એક વર્ષ કરતા ઓછા સમયગાળાના ભાડાપટ્ટે સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર એક ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂ.500 અને વાણિજ્ય વપરાશ માટે રૂ. 1 હજારની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે.
મોટર વાહન વેરામાં ઘટાડો
- ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં 6 ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. તેવા સંપૂર્ણ ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો પર 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટ આપીને 1 ટકા લેકે વેરાનો દર રાખવાનો નિર્ણય લેવાયો છે.
- વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલ 8 ટકાથી 12 ટકા સુધીનો વેરો હતો, જેના બદલે હવે એક જ વેરો 6 ટકા રાખવામાં આવશે.
આ છે મહત્વની બજેટની વાત
- આ વર્ષનું કુલ બજેટ રૂ.3,70,250 કરોડનું છે. જે ગત વર્ષ કરતા 37,785 કરોડ વધુ છે.
- આ બજેટનો હેતુ GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ વિકાસ પર કેન્દ્રિત કરવાનો છે.
- 50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની રચના કરવામાં આવી છે. જે પાંચ વર્ષ માટે માળખાકીય સુવિધા માટે રહેશે.
- આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે. આ માટે શહેરી વિકાસમાં વધુ રકમની ફાળવણી કરાઇ છે. રૂ.30,425 કરોડની આ વર્ષે જોગવાઈ કરેલી છે.
- ગરીબો માટે વિવિધ આવાસીય યોજનામાં ત્રણ લાખ લોકોને ઘર આપશે.
- મહિલા આર્થિક વિકાસ માટે સખી સહાય સ્કીમનો આરંભ કરાયો છે.
- મહિલા માટે પાંચ વર્કિંગ વિમેન હોસ્ટેલ બનાવશે.
- રાજ્યના સુરત ઇકોનોમિક રિજિયન વિકસાવાશે.
- દાહોદ માટે નવું એરપોર્ટ બનશે, સુરત અને રાજકોટ એરપોર્ટને વધુ વિસ્તરણ સાથે વિકાસ થશે.
- ડ્રગ્સને નિયંત્રિત કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ફોર્સ માટે રૂ. ૨૩ કરોડની જોગવાઈ કરી છે.
આ પણ વાંચો: