મહેસાણા: મહેસાણામાં એક વેપારીએ પોતાની ઓફિસમાં જ આત્મહત્યા કરી લેતા ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આપઘાત માટેના એક નહીં પણ બે કારણો સામે આવ્યા છે. એક તરફ પૈસાની પઠાણી ઉઘરાણીનો ત્રાસ તો બીજી તરફ મૃતકના મોટા બાપાના દીકરાઓએ વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા ખોટી સહીઓ કરીને જમીન પડાવી લીધી હોવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે વેપારીએ પોતાની જ ઓફિસમાં આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે.
મહેસાણામાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા એક વેપારીએ આત્મહત્યા કરી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. આત્મહત્યા બાદ નોંધાયેલી ફરિયાદમાં મૃતકને બે બાજુથી માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના ટી.બી રોડ પર નીલકંઠ પ્લાઝામાં 20 વર્ષથી પ્રિન્સ ઇલેક્ટ્રિક દુકાન ચલાવતા ભરતભાઈ પટેલ આપઘાત કરી લીધો હતો. ઇલેક્ટ્રિકની દુકાનમાં ભરતભાઈના પુત્ર કિશને છેલ્લા બે મહિનાથી માધવ ઓવરસિસ વિઝા કન્સલ્ટિંગનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો. જ્યાં કિશન અને તેના પિતા ભરતભાઈ બેસતા હતા.
ભરતભાઈએ આપઘાત કર્યો તે ઓફિસમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોનો ત્રાસ અને બાપ-દાદાની જમીનના વિવાદનો ઉલ્લેખ કરીને 8 લોકોના નામ લખીને તેમને કડક સજા અપાવવાની માંગ કરી હતી. આપઘાત કરતા પહેલા ભરતભાઈએ ચિઠ્ઠીમાં પોતાના પુત્ર કિશનને સંબોધીને કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે તે પણ લખ્યું હતું.
સમગ્ર મામલે મૃતકના પુત્ર એ મહેસાણા ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એ પણ ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા બે મહિનાથી ઓફિસમાં હતા તે દરમિયાન 5 શખ્શો ઓફિસ આવતા હતા અને ભરતભાઈને બહાર લઈ જઈને કંઈક વાતચીત કરતા હતા. જે અંગે પૂછતા 30 લાખ લીધા છે જેના માટે આ લોકો ટોર્ચર કરતા હોવાનું જણાવ્યું હતું. તો વળી બીજી બાજુ મોટા બાપાના દીકરાઓ એ પણ જમીનમાં ભાગ નહીં આપી ખોટી સહીઓ કરી જમીન પડાવી લીધી હોવાની ફરિયાદ આપી છે.
આ પણ વાંચો: