અમદાવાદ : આજે 15 ફેબ્રુઆરી, શનિવારના રોજ ચંદ્ર સિંહ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આપે ગુસ્સા અને જીદને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. શરીર અને મનમાં ઉચાટ અને બેચેની ટાળવા માટે મનપસંદ પ્રવૃત્તિઓ કરવી અને દરેકની સાથે સહકારની ભાવના રાખવી. આપ મહેનત વધારે કરશો પણ જો તે અનુસાર સફળતા ના મળે તો નિરાશ થવું નહીં કારણ કે નજીકના ભવિષ્યમાં તેનો લાભ તો મળશે જ. સંતાનો સંબંધિત કામકાજોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પેટને લગતી સમસ્યાઓ સતાવે. પ્રવાસમાં વિલંબ થઈ શકે છે. સરકારી કામકાજમાં સફળતા મળી શકશે.
વૃષભ: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આપે આપનું દરેક કામ દૃઢ મનોબળ અને આત્મ વિશ્વાસ સાથે કરવું પડશે અને આપ તેમાં પણ સફળતા મેળવી શકશો. આપ પિતા તરફથી સંપત્તિ મેળવી શકશો. સરકારી કામકાજ અથવા આર્થિક વ્યવહારમાં લાભ થઇ શકે. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે. કલાકારો અને ખેલાડીઓ સારી રીતે પોતાની કુશળતા બતાવી શકશે. સંતાનો પાછળ ખર્ચ થવાની શક્યતા છે.
મિથુન: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ સારો હોવાથી આપ નવી યોજનાઓ શરૂ કરી શકશો. વ્યવસાયિકો સરકારી લાભ મેળવશે અને નોકરિયાતો ઉચ્ચ અધિકારીઓની કૃપા મેળવી શકશે. ભાઇઓ અને પડોશીઓ સાથેના સંબંધો સારા રહેશે. શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાશે. ટૂંકી મુસાફરી થવાની શક્યતા છે. હરીફો સામે જીતી શકશો. દિવસનું રોજિંદુ કામ આપને વ્યસ્ત રાખશે.
કર્ક: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપના શરીર અને મનની સ્વસ્થતા જાળવવા માટે આજે શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. મનમાંથી નકારાત્મક વિચારોનું પ્રભૂત્વ દૂર કરશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. કોઇની સાથે મતભેદ થાય એટલી હદે ચર્ચામાં ઉતરવું નહીં. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે માટે તમારે ક્યારેય સમાધાનકારી નીતિ પણ અપનાવવી પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે.. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.
સિંહ: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આત્મ વિશ્વાસ અને નિર્ણય શક્તિમાં વધારો થવાને કારણે આપ દરેક કામ ત્વરિત નિર્ણય લઇ પૂરા કરશો. સમાજમાં આપની ખ્યાતિમાં વધારો થશે. વડીલો આપને સહકાર આપશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે. ગુસ્સાને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે તેમ જણાઈ રહ્યું છે. લગ્નજીવન સારું રહે અને સ્વાસ્થ્યમાં થોડો સુધારો થાય.
કન્યા: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આપના શરીર અને મનમાં અજંપાભરી સ્થિતિ હોય તો આજે તમે શાંતિ અને ધીરજ જાળવીને તેમાં સુધારો લાવી શકો છો. જુની બીમારીથી પીડાતા જાતકોને સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. પરિવારજનોને શક્ય હોય તો થોડો વધુ સમય આપવો અને તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. અચાનક મોટો ખર્ચ આવે તેવો અણસાર લાગે તો અગાઉથી આર્થિક વ્યવસ્થા કરવી જેથી તમારું કામ અટકે નહીં. નોકરી કરતા લોકોને સહકર્મીઓ તરફથી મધ્યમ સહકાર મળે. આજે કોર્ટ કચેરીનું કામ ન કરો તો વધારે સારું.
તુલા: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આપ આજે અલગ-અલગ ક્ષેત્રમાંથી લાભ મેળવી શકશો અને તેના કારણે આપને શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આજે આપ દિવસ દરમિયાન મિત્રો સાથે મળી કોઇ સુંદર સ્થળે ફરવાનું આયોજન કરી શકશો. આપનું દાંપત્યજીવન સારું રહેશે. સ્ત્રી મિત્રોનો સાથ માણી શકશો. આર્થિક વૃદ્ધિ થવાના યોગ છે. અપરીણિત લોકોના લગ્ન થવાની સંભાવના છે.
વૃશ્ચિક: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના દરેક કાર્ય સરળતાથી પૂરા થશે. આપનું લગ્નજીવન આનંદમય રહેશે. આપ સમાજમાં સન્માનનીય બનશો. નોકરી તેમ જ વ્યવસાયમાં પદોન્નતિના યોગ છે. આપને વડીલો તેમ જ ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ થઇ શકે. વેપારીઓ ઉધાર આપેલા નાણાં પાછા મેળવી શકશે. સંતાનો સારી પ્રગતિ સાધી શકશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને સગા-સંબંધીઓથી ફાયદો થઇ શકશે.
ધન: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. કોઇ અવિચારી પગલું આપને જોખમમાં મૂકી શકે છે તેથી સાવધ રહેવું જરૂરી છે. આજે કોઇપણ કામ કરવામાં ઉત્સાહ જળવાશે નહીં. શરીર અને મનમાં ચિંતા અને અજંપો ટાળવા માટે મેડિટેશન કરી શકો છો. નોકરી અને વ્યવસાયમાં કોઇ મુશ્કેલીથી બચવા માટે તમારા કામની ગુણવત્તા અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ક્યાંય કસર છોડવી નહીં. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદથી નુકસાન થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી મહત્વની મિટિંગ આજે ટાળવી. આપે વિરોધીઓથી બચીને રહેવું જોઇએ.
મકર: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે ખાનપાનમાં ધ્યાન નહીં આપો તો સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉપચાર, પ્રવાસ અને વ્યવહારિક પ્રસંગોમાં નાણાં ખર્ચ થાય તેવી સંભાવના છે. મુશ્કેલીઓમાંથી બહાર આવવું હોય તો નકારાત્મક વિચારો તેમ જ ઉગ્ર વિચારો પર અંકુશ રાખજો. ભાગીદારીના કામકાજમાં હોવ તો કોઈપણ નિર્ણય લેવામાં બંનેએ સાથે બેસીને શાંતિથી ચર્ચા કર્યા પછી આગળ વધવું. ઓફિસનું વાતાવરણ આપને અનુકૂળ રાખવા માટે તમારે દરેકને સહકાર આપવો પડશે અને બીજાની સ્થિતિ સમજવી પણ પડશે. આપે નવા સંબંધો બાંધતી વખતે સાવચેતી રાખવી પડશે.
કુંભ: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનામાં આત્મવિશ્વાસ અને દ્રઠ મનોબળ ભરપૂર પ્રમાણમાં હશે તેમ જ આપનો દિવસ પ્રેમ અને રોમાન્સથી વધુ ઉલ્લાસિત બનશે. આપ વિજાતીય વ્યક્તિઓ સાથે મિત્રતા કરશો. પ્રવાસ, મોજમસ્તી, સ્વાદિષ્ટ ભોજન, નવા પરિધાન આપના આનંદમાં ઘણો વધારો કરશે. ભાગીદારીથી આપને લાભ થઇ શકે છે. પરીણિત લોકો સારું દાંપત્યજીવન માણી શકશે.
મીન: આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસને કારણે આપને કામમાં સફળતા મળશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે. આપનો ગુસ્સો આપની વાણી અને વર્તનમાં પ્રતિબિંબિત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. નોકરીમાં આપનો હાથ ઉપર રહેશે. વિરોધી પર વિજય મેળવી શકશો. અસ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો જોઈ શકાશે. આપ શારીરિક માનસિક સ્વસ્થતા જાળવી શકશો.