અમદાવાદઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો અનુસંધાને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે ગુજરાત સરકારે આઈપીએસ અધિકારી પિયુષ પૃષોત્તમદાસ પટેલની એન્ટી કરપ્શન બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે નિયુક્તિ કર્યા છે. ભુપેન્દ્ર પટેલની સરકારે આજે એક આદેશ જારી કરીને એસીબીના નવા ડાયરેક્ટર તરીકે પિયુષ પૃષોત્તમદાસ પટેલની નિમણૂક કરી છે. તો કોણ છે આઈપીએસ પિયુષ પુરુષોત્તમદાસ? જુઓ અહેવાલ.
1998 બેચના આઈપીએસ અધિકારી પિયુષ પુરુષોત્તમદાસ પટેલ અગાઉ બીએસએફ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમને અધવચ્ચે જ ગુજરાત પાછા મોકલી દેવામાં આવ્યા છે. આજે ગુજરાત સરકારે એક આદેશ જાહેર કરીને ACB ના નવા ડિરેક્ટર તરીકે IPS પિયુષ પટેલની નિયુક્તિ કરી છે. ગુજરાત સરકારના ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે, આઈપીએસ અધિકારી પિયુષ પુરુષોત્તમદાસ પટેલને અમદાવાદના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. પિયુષ પટેલને હવે અધિક પોલીસ મહાનિર્દેશક સ્તરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉ આ પદ પોલીસ મહાનિર્દેશક સ્તરનું હતું.
ઉલ્લેખનીય છે કે, 1971માં જન્મેલા પિયુષ પુરુષોત્તમદાસ પટેલ પાસે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી છે. તેઓ ગુજરાતના અમદાવાદના વતની છે. તેમણે સુરત રેંજમાં એડીજીપી તરીકે કામ કર્યું છે. પિયુષ પુરુષોત્તમદાસ પટેલ અગાઉ 2013 થી 2016 સુધીમાં બીએસએફમાં ડીઆઈજી તરીકે સેવા આપી ચૂક્યા છે. 2022 માં સુરતના રેન્જ આઇ.જી બનતા પહેલા ગાંધીનગર આમરેડ યુનિટના આઈજી હતા અને 2023 માં પિયુષ પટેલને ફરી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2023 માં કેન્દ્ર સરકારે પિયુષ પટેલને બીએસએફમાં નિમણૂક કરી હતી.