જુનાગઢ: જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ફાગળી ગામમાં દાદાનું બુલડોઝર ફરી શકે છે, તેવી શક્યતાઓ ઊભી થઈ છે. પાછલા એક અઠવાડિયાથી ફાગળી ગામ નજીક આવેલા ચૈતન્ય તોરણીયા હનુમાન ઉદાસીન આશ્રમની જમીન સરકારી અને ગૌચરની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર રોજ કામ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ સ્થળ પર સરકારી જમીન ખુલ્લી થાય તે માટેની કાર્યવાહી થવાની પૂરી શક્યતાઓ છે.
કેશોદ નજીક ફરી શકે છે દાદાનું બુલડોઝર
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું ફાગળી ગામ અહીં આવેલા ચૈતન્ય તોરણીયા હનુમાન ઉદાસીન આશ્રમમાં પાછલા કેટલાક દિવસથી સન્યાસીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેની વચ્ચે ગામ લોકોની માગને ધ્યાને રાખીને જિલ્લા પંચાયત અને મામલતદાર દ્વારા આશ્રમની જગ્યા પર આજે અધિકારીઓ દ્વારા આશ્રમની જગ્યા પર પંચ રોજકામ અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફાગળી ગામના સર્વે નંબર 152 અને કેશોદ ગામના સર્વે નંબર 754 પૈકી કેટલીક જમીન સરકારી અને ગૌચરની હોવાની પ્રાથમિક વિગતો આજના રોજકામ બાદ જિલ્લા વહીવટી તંત્રને પ્રાપ્ત થઈ છે. તે દિશામાં હવે સરકારી જમીન ખુલ્લી કરાવવાની કામગીરી હાથ ધરાવવાની પૂરી શક્યતાઓ છે.
મામલતદારે આપી વિગતો
કેશોદ તાલુકા મામલતદાર સંદિપ મહેતા એ ગામ લોકોની ફરિયાદ અને વિવાદમાં ચાલી રહેલા ચૈતન્ય તોરણીયા હનુમાન ઉદાસીન આશ્રમમાં આજે પંચાયત અને મામલતદારના કર્મચારી અને અધિકારીઓની એક ટીમ દ્વારા સ્થળ પર ચકાસણી કરી હતી. જેમાં જે જગ્યા પર આશ્રમ બાંધવામાં આવ્યું છે. તે જમીન સરકારી ગૌચર કે ખાનગી માલિકીની હોવાની શક્યતા મામલતદાર મહેતાએ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં કર્મચારીઓ દ્વારા સ્થળ રોજ કામ બાદ જે વિગતો જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવશે ત્યારબાદ આશ્રમની સરકારી અને ગૌચરની જમીન ખુલ્લી કરાવવાને લઈને વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ શકે છે.