ઓટાવા : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે. જોકે, સત્તાપક્ષ લીબરલ પાર્ટીના આગામી નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડાપ્રધાન રહેશે. ટ્રુડોના રાજીનામા બાદ કેનેડામાં રાજકીય અસ્થિરતા વધવાના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન પદની સાથે તેમણે લીબરલ પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું છે.
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું રાજીનામું : હવે કેનેડામાં ચૂંટણી અને આગામી વડાપ્રધાનને પસંદ કરવાની કવાયત શરૂ થશે. કેનેડાની રાજનીતિ અત્યારે ખૂબ જ ગરમ છે. ટ્રુડોએ જણાવ્યું હતું કે "પાર્ટી તેના આગામી નેતાની પસંદગી કરે તે પછી હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માગું છું, ગઈકાલે રાત્રે મેં લિબરલ પાર્ટીના અધ્યક્ષને તે પ્રક્રિયા શરૂ કરવા કહ્યું."
જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલ રાજકીય સફર :
જસ્ટિન ટ્રુડોને થોડા મહિનાઓ સુધી રાજકારણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના જ પક્ષના સભ્યો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. સપ્ટેમ્બરમાં જસ્ટિન ટ્રુડોને સંસદમાં અવિશ્વાસ દરખાસ્તનો સામનો કરવો પડ્યો, જે બાદમાં નિષ્ફળ ગયો. છતાં કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા તેમને પદ પરથી દૂર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા.
16 ડિસેમ્બરના રોજ નાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે જાહેરાત કરી કે તેઓ ટ્રુડોની કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યાં છે. પાછળથી ડિસેમ્બરમાં ટ્રુડોના મુખ્ય સહયોગીમાંથી એક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે જણાવ્યું કે, તેઓ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રુડોએ 2013માં લિબરલ નેતા તરીકે પદ સંભાળ્યું હતું. સંભવતઃ તેમના રાજીનામા બાદ સ્થિર સરકાર બનાવવા માટે વહેલી ચૂંટણી યોજવાની નવી માંગ ઉભી થશે.
સરકાર પ્રત્યે વધતો અસંતોષ અને ટ્રુડોનું રાજીનામુ, શું છે કનેક્શન ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર સામે વધતા અસંતોષને કારણે જસ્ટિન ટ્રુડોએ પદ છોડવાનો નિર્ણય કર્યો. જસ્ટિન ટ્રુડો 2015થી કેનેડાના વડાપ્રધાન છે. તેઓએ બુધવારે રાષ્ટ્રીય કોકસ બેઠક પહેલા રાજીનામાની જાહેરાત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંભવતઃ કોકસ સત્ર પછી નેતૃત્વના મુદ્દાઓ પર નિર્ણય લેનાર લીબરલ પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ આ અઠવાડિયે બેઠક કરવાનું આયોજન કરી રહી છે. શુક્રવારે, ધ ગ્લોબે અહેવાલ આપ્યો કે, ટ્રુડોના સલાહકારો વિચારી રહ્યા છે કે જ્યાં સુધી નવા લિબરલ નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન કેવી રીતે રહી શકે.
કેનેડામાં રાજકીય કટોકટી : એક સૂત્રએ જણાવ્યું કે જ્યાં સુધી કોઈ નેતાની પસંદગી કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રુડો માટે વડાપ્રધાન તરીકે રહેવું અર્થપૂર્ણ છે, જેથી તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના આવનારા યુએસ વહીવટ અને 25 ટકા ટેરિફની ધમકીનો સામનો કરી શકે. લીબરલ પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે નેતૃત્વની સ્પર્ધામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે, જોકે પક્ષનું બંધારણ ઓછામાં ઓછા ચાર મહિનાની વિનંતી કરે છે.
જસ્ટિન ટ્રુડોની ઘટતી લોકપ્રિયતા : રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેનેડામાં ટ્રુડોની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરના અંત સુધીમાં કેનેડામાં ચૂંટણી યોજાશે. ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે તેમના પક્ષને પિયરે પોઈલીવરેની કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી દૂર કરવામાં આવશે. કેનેડિયન પોલસ્ટર એંગસ રીડ અનુસાર, 24 ડિસેમ્બર સુધીમાં ટ્રુડોનો અસ્વીકાર દર લગભગ 68 ટકા હતો.