નવસારીઃ અધિકારી બની ફોન કરતા મિસ્ટર નટવરલાલને અસલી પ્રાંત અધિકારી જન્મ ઠાકોરે તેની ભાષા અને વાત કરવાની રીતના કારણે તથા માંડવીમાં ભ્રષ્ટાચાર અંગે ફોન પર હલકી કક્ષાની ભાષામાં વાત કરતા શંકા જતા પકડી પડ્યો. CMO અધિકારી આવો હોઈ જ ના શકે, જેથી પોલીસનો સંપર્ક કરી તેના વિરુદ્ધ ફરિયાદ બાદ નકલી સીએમઓ અધિકારીની ધરપકડ કરવામાં આવી.
નવસારી પ્રાંત અધિકારીને CMO અધિકારી બની ફોન કરતાં ઠગબાજનો બનાવનો પડધો સમગ્ર ગુજરાતમાં પડ્યો છે. આ જાણી રાજ્યમાં સૌ કોઈ દંગ રહી ગયા છે. નવસારી ગ્રામ્ય પોલીસે પ્રાંત અધિકારીની ફરિયાદના આધારે તેને ગઈકાલે ઝડપી પાડ્યો છે. આજે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરાઈ હતી અને તેનો ફોન કબજે કરી ભૂતકાળમાં તેણે CMO અધિકારી બની બીજા શું કારનામાં કર્યા છે તેની તપાસ પણ કરવામાં આવશે.
પ્રાંત અધિકારી જન્મ ઠાકોરે જણાવ્યું હતું કે, નકલી સીએમઓ અધિકારીએ એવી ભાષામાં આક્ષેપો કર્યા કે, તે અધિકારી નથી તેવું સાબિત થયું જેના આધારે ગાંધીનગર તપાસ કરતા તે નકલી હોવાનું સાબિત થયું હતું.
નકલી અધિકારી કેવી રીતે અસલી અધિકારી જેવી નકલ કરતો હતો?
આ કેસમાં નકલી CMO અધિકારી નિતેશ ચૌધરીએ જમીનના પ્રકરણમાં ચાર વખત તત્કાલીન બારડોલી પ્રાંત અધિકારી જન્મ ઠાકોરને ફોન ઉપર ભલામણો અને સલાહ લેવાની તરકીબ કરી હતી. જેમાં અધિકારીએ ઠગબાજના અવાજમાં કોન્ફિડન્સ અને વહીવટી અધિકારી હોવાનો લહેકો લાગતા તેમણે ખાસ કોઈ વેરિફિકેશન કર્યું નહીં અને કાયદેસર રીતે જે સલાહ આપવાની હોય છે તે આપી હતી.
પ્રાંત અધિકારીને સામે નકલી અધિકારી કેવી રીતે ઉઘાડો થયો ખેલ?
ઠગબાજ નીતેશ ચૌધરીએ માંડવી તાલુકામાં આધાર કાર્ડ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ સામાન્ય માણસના ટોનમાં કરી હતી. બસ આ ટોન તેને જેલના સળિયા સુધી પહોંચાડવામાં મદદરૂપ થયો હતો. કોઈપણ વહીવટી અધિકારી બીજા અન્ય અધિકારી સાથે જો ફરિયાદ કરે તો પણ એક અધિકારીનો પ્રોટોકોલ જળવાતો હોય છે. બસ આ પ્રોટોકોલ જાળવવામાં ઠગબાજ નિતેશ ચૌધરી થાપ ખાઈ ગયો હતો અને નવસારી પ્રાંત અધિકારીને શંકા જતા ગાંધીનગર ચકાસણી કરતા તેનો ભાંડો ફૂટ્યો હતો.
નવસારી હાલના SDM જન્મ ઠાકોર દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસમાં નકલી CMO અધિકારી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે માત્ર 24 કલાકની અંદર તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.