કેરળ/કર્ણાટક : દેશમાં વન્યપ્રાણીઓના હુમલાના બનાવો નોંધાતા હોય છે. હાથી પણ એક વન્યપ્રાણી છે, પરંતુ દક્ષિણ ભારતમાં હાથીને એક પાલતુ પ્રાણી તરીકે પણ રાખવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હાથીઓ દ્વારા મનુષ્ય પર થતા હુમલા અને હુમલામાં થતા મોતની સંખ્યા ગંભીર રીતે વધી છે. આવા જ બે બનાવ હાલમાં જ નોંધાયા છે.
કર્ણાટકમાં હાથીઓના હુમલામાં બે લોકોના મોત...
કર્ણાટકમાં ગુરુવારે સવારે જંગલી હાથીઓના બે અલગ-અલગ હુમલામાં એક મહિલા અને એક યુવકનું મોત થયું હતું. સમાચાર અનુસાર, જંગલી હાથીઓના આ હુમલામાં હસન અને મૈસૂરમાં બે લોકોના મોત થયા છે.
![કર્ણાટકમાં હાથીઓના હુમલામાં બે લોકોના મોત...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23540941_1_aspera.jpg)
હસન જિલ્લાના બેલુર તાલુકાના બેલાવર ગામમાં એક જંગલી હાથીએ ઢોર ચરાવવા ગયેલી કાનાગુપ્પે ગામની 60 વર્ષીય દયાવમ્મા નામની મહિલા પર હુમલો કર્યો હતો. જેમાં મહિલાનું મોત થયું હતું. પરિવારજનો ઘટનાસ્થળે મહિલાના શરીર પર ઈજાના નિશાન અને હાથીના પગના નિશાન મળી આવ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે જંગલી હાથીના હુમલાને કારણે દયાવમ્માનું મોત થયું હતું.
બીજી તરફ મૈસુર જિલ્લાના એચ.ડી. કોટે સારગુરુ તાલુકાના ગડ્ડે હલ્લા ગામમાં પોતાના ખેતરમાં ગયેલા યુવક પર જંગલી હાથીઓએ હુમલો કર્યો હતો. 21 વર્ષના યુવક અવિનાશ જંગલી હાથીઓના હુમલામાં ગંભીર રીતે ઘવાયો હતો. કમનસીબે બાદમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત થયું હતું.
કેરળમાં હાથી ભડક્યા અને થઈ અફરાતફરી, 3 લોકોના મોત-30 ઘાયલ
કેરળના કોઝિકોડ જિલ્લાના કોયલેન્ડીમાં સ્થિત કુરુવનગઢના માનકુલંગારા મંદિરમાં ગુરુવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મંદિરના ઉત્સવ દરમિયાન અચાનક બે હાથીઓ ભડક્યા હતા. જે બાદ નાસભાગમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ લીલા, અમ્માકુટ્ટી અમ્મા અને રાજન તરીકે થઈ છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
![કેરળમાં હાથી ભડક્યા અને થઈ અફરાતફરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23540941_2_aspera.jpg)
કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં ચાલી રહેલા ઉત્સવ દરમિયાન હાથીઓનું વર્તન અચાનક અનિયંત્રિત થઈ ગયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફટાકડાના જોરદાર અવાજથી ભડકેલા એક હાથીએ નજીકમાં ઊભેલા બીજા હાથી પર હુમલો કર્યો. આ પછી બંને હાથીઓ બેકાબૂ થઈ ગયા હતા.