રાજકોટ: આજે શનિવારે આશરે 5:30 વાગ્યાના અરસામાં શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા(ગઢવી ) નામના વ્યક્તિ ઉપર પુનિત નગર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં પરેશ બળદાને ડાબા પગના ભાગે ગોળી વાગવાના કારણે ઈજા પહોંચી હોવાનું પણ જણાયું છે. ફાયરિંગની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, અને અને આ મામલે ચાર શખ્સોએ સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદી પરેશ બળદાએ ચાર જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત ત્રણ વ્યક્તિઓની ઓળખ પણ થવા પામી છે. પોલીસ દ્વારા હાલ સોહેલ ઉર્ફે ભાણોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે કે સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો અને તેના ભાઈ નવાઝ તેમજ એક અજાણ્યા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ તાલુકા પોલીસ દ્વારા બનાવ સંદર્ભે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. એફએસએલની ટીમની હાજરીમાં જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું તેમજ બનાવ સ્થળેથી ખાલી કારતુસ પણ કબજે કરવામાં આવી છે. ગત 14 જાન્યુઆરીના રોજ પરીક્ષિત ઉર્ફે પરેશના મિત્રની પત્નીના ઘરે પરીક્ષિત ઉર્ફે પરેશ તેમજ સોહેલ ઉર્ફે ભાણો વચ્ચે મારામારી થઈ હતી. આ સંદર્ભે સોહેલ ઉર્ફે ભાણા દ્વારા પરેશ વિરુદ્ધ મારામારી તેમજ પરેશના મિત્રની પત્ની દ્વારા પરેશ વિરુદ્ધ છેડતી સહિતની કલમ અંતર્ગત માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આમ અગાઉની થયેલ બોલાચાલીનો ખાર રાખી ફાયરીંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ બાબતનો ખાર રાખીને આ ફાયરિંગ કર્યુ હોવાની માહિત મળી છે, તો પોલીસની પ્રાથમિક તપાસમાં પરીક્ષિત ઉર્ફે પરેશ વિરુદ્ધ પણ 10 જેટલા ગુના અગાઉ દાખલ થઈ ચૂક્યા છે. જેમાં હત્યાના પ્રયાસ, અપહરણ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના દાખલ થઈ ચૂક્યા છે. ગુનાના કામે પકડવાના બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે રાજકોટ શહેર તાલુકા પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની જુદી જુદી ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે સમયે ફાયરિંગનો બનાવ બન્યો ત્યારે આજીડેમ પોલીસ મથકના બે કોન્સ્ટેબલ પણ બનાવ સ્થળ ખાતે હાજર હતા. કોઈ કેસની તપાસ સંદર્ભે તેવો બનાવ સ્થળ ખાતે હાજર હતા ત્યારે જ સફેદ કલરની વર્ના કારમાં આવેલા ચાર જેટલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરી નાસી છૂટ્યા બાદ હાજર રહેલા કોન્સ્ટેબલ દ્વારા આરોપીઓનો પીછો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.