કચ્છ: જિલ્લામાં બે સ્થળોએ આગ લાગવાની ઘટના સામે આવી છે. બે ઘટનાઓ પૈકી એક ભુજમાં ઓપન એર થિયેટરમાં પડેલા નગરપાલિકાના વાહનમાં આગ લાગી હતી. અહીં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ વાહન બળીને ખાક થઈ ગયું હતું.
બીજી ઘટનામાં ભચાઉ બાયપાસ રોડ પર વીજ વાયરમાં ટ્રક અડી જતા આગ લાગી હતી. જોકે અહીં પણ ભચાઉ ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો. આમ, 2 આગની ઘટના ઘટતા ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જોકે મહત્વની બબત એ છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ભુજ નગરપાલિકાનાં વાહનમાં લાગી આગ: મળતી માહિતી અનુસાર, ભુજના ઓપન એર થિયેટર ખાતે પડેલા ભુજ નગરપાલિકાનાં વાહનમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેવાતા વાહનમાં મોટું નુકસાન થયું હતું. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ધુમાડાના ગોટા નજરે પડતા આસપાસથી પસાર થતા લોકો પણ ઘટના સ્થળ પર એકત્ર થઇ ગયા હતા.

કોલસા ભરેલી ટ્રક 66kv ના હેવી લાઈટના તારમાં અડી જતા લાગી આગ: બીજી બાજુ ભચાઉ ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, નગર પાલિકા ફાયર ટીમને આગની ઘટના અંગે ઇમરજન્સી કોલ આવ્યો હતો. જેમાં ભચાઉના બાયપાસ રોડ પાસે કોલસો ભરેલ મોટી ટ્રક 66kv ના હેવી લાઈટના તારમાં અડી ગઈ હતી અને કોલસામાં આગ લાગી ગઈ હતી.

ભચાઉ ફાયર ટીમે ઘટનાને ગંભીરતાથી લેતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ભચાઉ સીટી બંધ કરીને ગાડીને પાછળ લેવડાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યો હતો. જોકે સદભાગ્યે કોઈ પણ જાનહાની થઈ નહોતી. આ કામગીરીમાં ભચાઉ ફાયર વિભાગના પ્રવીણ દાફડા, શક્તિસિંહ અને કુલદીપ જોડાયા હતા.
આ પણ વાંચો: