ભાવનગર: 14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ, જેને સમગ્ર વિશ્વ ઉજવે છે. પરંતુ ETV BHARAT આજે 14 ફેબ્રુઆરીના દિવસે એક સફળ પ્રેમ કહાની લઈને આવ્યું છે. ભાવનગરની એક એવી પ્રેમી જોડી જેને સાથે રહેવા માટે સંઘર્ષ કર્યો અને જિંદગીભર સાથે રહીને આ સફર કરવાનો નિર્ણય કરીને પોતાના પ્રેમને સફળ બનાવ્યો છે. વાણંદ સમાજના યુવાનની પડોશમાં રહેતી બ્રાહ્મણ યુવતી સાથે આંખો મળી ગઈ હતી. આ લવ સ્ટોરી છે વર્ષ 1997ની. જે આજે સફળ પ્રેમ કહાની બની છે. ચાલો આ પ્રેમ કહાનીના પાત્ર પ્રકાશભાઈ અને હેમાબેનના મુખેથી જાણીએ એમની પ્રેમ કહાની.
વર્ષ 1997માં કપલના જીવનની વસંત: ભાવનગરના ટોપ 3 સર્કલ નજીક રહેતા અને LICમાં કલાસ વન ઓફિસર રાઠોડ પ્રકાશકુમાર ચીમનભાઈએ જણાવ્યું હતું કે, 17 ફેબ્રુઆરી 1997ના દિવસે વસંત પંચમીનો દિવસ હતો. અમે બંને એ પારસી હોલ ખાતે વકીલ રાખીને લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા એની જાણ પરિજનોને થવા દીધી નહોતી. ઓફિસનું કામ છે એમ કહીને હું લગ્ન કરીને સાથે જતા રહ્યા હતા. ત્યારે રાત્રે 1 વાગ્યે અમે ધાંગધ્રા પહોંચ્યા હતા.
3 મહિના પછી હેમાબેન પતિ પાસે ગયા: પ્રકાશકુમાર રાઠોડે આગળ જણાવ્યું કે, 3 મહિના મારી પત્ની તેમના ઘરેથી મેં મહિનામાં મારી પાસે આવવા ધાંગધ્રા નીકળ્યા.જ્યારે એ નીકળ્યા ત્યારે તે નક્કી કરીને આવી હતી કે મારી નોકરીને કાંઈ આંચ ન આવે, માટે તે સુરેન્દ્રનગર આવીને મને લેન્ડલાઈન પર ફોન કરીને જણાવ્યું કે, હું આવી ગઈ છું. ત્યારે મેં તેને ત્યા થોભવાનું કહીને ત્યાં તેની પાસે ગયો. ત્યાર પછી અમે બંને પહેલા અમારા કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા ગયા હતા.
પરિવારને જાણ થતા ફોઈ પાસે આશરો લીધો: વધુમાં જણાવ્યું કે, અમારા લગ્નની જાણ અમારા પરિવારને થતા અમદાવાદમાં મારા ફોઈ છે. તેમના ઘરે અમે બંને ગયા, ફોઈને બધી વાત જણાવી અને કઈ પરિસ્થિતિમાં લગ્ન કર્યા તે જણાવ્યું. ત્યારે તેમને આશ્વાસન આપ્યું કે, હું પપ્પાને સમજાવીશ ચિંતા ન કર. અમે લગ્ન કર્યા તે વાતની જાણ મારી પત્નીના પરિવારને પણ થઈ ગઈ હતી.
![ભાવનગરનું એક એવું કપલ જેને પ્રેમ માટે સંઘર્ષ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn011997lovestoryrtubitesspecialchirag7208680_14022025025344_1402f_1739481824_871.jpg)
હેમાબહેને પરિવારને શું કહ્યુ?: આગળ વાત કરતા પ્રકાશકુમાર કહે છે કે, મારી પત્નીના પરિવારના લોકોએ મારા મમ્મી પપ્પાને દબાણ કર્યું કે, અમારી દીકરી પાછી લાવી આપો. ત્યારે મારા પપ્પા અને મોટા બાપુ 4-5 દિવસ પછી ધાંગધ્રા આવ્યા અને થોડો ગુસ્સો કરીને કહ્યું કે આ યોગ્ય ન કહેવાય. ત્યારબાદ મારી પત્નીને કહ્યું કે, તમારે પાછું આવવું છે બેટા. ત્યારે મારી પત્નીએ તે લોકોને કહ્યું કે, ચૂંદડી એક વખત ઓઢાય બીજી વખત નહી. એમ ના પાડીને કહી દીધું મારે નથી આવવું.
લગ્ન બાદ સંઘર્ષનો સામનો: લગ્ન પછી ઘરમાંથી અમને સપોર્ટ મળ્યો પરંતુ એક પછી અમારી લાઈફમાં અમારે ઉભું થવું પડશે એવો વિચાર પણ આવ્યો. બીજા કોઈ પર નિર્ભર નથી રહેવાનું. એટલે અમે બને ધાંગધ્રામાં કાળા કપાસમાં ઝીંડવા વીણવાનું કામ પણ કર્યું હતું. એક ગાંસડીએ 20 રૂપિયા મળતા હતા. મારી પત્ની સવારના 9 વાગ્યે કામ શરુ દે, હું નોકરી પૂરી કરીને આવું ત્યારે અમે બંને રાતે 12 વાગ્યા સુધી 80 રૂપિયા કમાવવા માટે કપાસના ઝીંડવા વીણીએ. ક્યારેક હાથમાંથી લોહી પણ નીકળે તો પણ અમે કામ કરતા હતા.
![પ્રકાશભાઈ અને હેમાબેનનો પરિવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23540224_1.jpg)
પહેલી કમાણીમાંથી પત્ની માટે ગિફ્ટ લીધી: પ્રકાશકુમાર પોતાની વાત આગળ વધારતા કહે છે કે, એક મહિનાની મારી જે કમાણીથી મેં મારી પત્ની માટે સોનાની બુટ્ટી બનાવડાવી હતી. જેથી એને એમ ન થાય કે, મારી જિંદગીમાં કંઈ જ નથી. પણ મને આજ ગર્વ છે કે, મારી લાઈફ પાર્ટનરે મને એટલો સપોર્ટ રહ્યો છે કે, હું પટ્ટાવાળામાંથી આજ ક્લાસ વન ઓફિસર સુધી પહોંચ્યો છું.
જીવનમાં યોગ્ય પાત્ર મળવું જોઈએ: પોતાના પરિવાર અંગે જણાવતા પ્રકાશકુમાર રાઠોડ કહે છે કે, મારા મમ્મી પપ્પા જે આઠ વર્ષ સેવા મારી પત્નીએ કરી, છેલ્લા 4 વર્ષથી બંને એકલા રહે છે. મારા 2 સંતાનો છે. મોટો દિકરો ઓસ્ટ્રેલિયામાં સાયબર સિક્યુરિટીનું કાર્ય કરે છે. બીજો દિકરો અમદાવાદમાં BCA કરે છે. મારી પત્ની હાલ ભાવનગરમાં એકલા રહે છે. હું મહુવા રહું છું. શુક્રવારે આવું અને સોમવારે જતો રહું છું. આ લાઇફની અંદર એમ કહેવાય કે, પાર્ટનર તો ઠીક છે. જિંદગીની અંદર જે લક્ષ્મી મળી છે. એ મારી જિંદગીમાં ક્યારેય નહિ ભૂલું અને મરીશ તો હું એમ કહીશ કે, મળે તો જિંદગીભર આવું જ પાત્ર મળજો.
![ભાવનગરનું એક એવું કપલ જેને પ્રેમ માટે સંઘર્ષ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/rgjbvn011997lovestoryrtubitesspecialchirag7208680_14022025025344_1402f_1739481824_99.jpg)
એકબીજાને સમજીને લગ્ન કર્યા: હેમાબહેને જણાવ્યું હતું કે, અમે વડવામાં સાથે રહેતા હતા. અમેં એકબીજાને સમજીને 5 વર્ષ પછી લગ્ન કર્યા. એકબીજાને જાણીને એકબીજાનું વ્યવસ્થિત જોઈને પછી લગ્નનો નિર્ણય લીધો હતો. જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. અમારા મનમાં એક જ વાત હતી કે, આપણે લગ્ન કર્યા છે. એને જિંદગીભર નિભાવીશું. એમાં બાંધછોડ નહી. કદાચ થોડું ઘણું હોય તો એને જતું કરવું પડે.
આ પણ વાંચો: