મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ સર્જક શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતા. બેનેગલ કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. તેમણે 14 ડિસેમ્બરે તેમના મિત્રો અને પરિવાર સાથે તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ પ્રસંગે નસીરુદ્દીન શાહ, દિવ્યા દત્તા, શબાના આઝમી, રજિત કપૂર, અતુલ તિવારી, ફિલ્મ નિર્માતા અને અભિનેતા શશિ કપૂરના પુત્ર કુણાલે ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, શ્યામ બેનેગલ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા, નિર્દેશક, નિર્માતા, કોરિયોગ્રાફર અને લેખક ગુરુ દત્તના પિતરાઈ ભાઈ હતા.
પંચતત્વમાં વિલીન થયાં શ્યામ બેનેગલ
ભારતીય સિનેમાના જાદૂગર ગણાતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને દાદરના સ્મશાનભૂમિમાં રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. 24 ડિસેમ્બરના રોજ તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યાં હતાં.
આ દરમિયાન શ્યામ બેનેગલને અંતિમ વિદાય આપવા માટે ફિલ્મ જગતની અને રાજકીય જગતની અનેક હસ્તીઓ આવી પહોંચી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ ભીની આંખે બેનેગલને અંતિમ વિદાય આપી હતી.
કોણ હતા શ્યામ બેનેગલ?શ્યામ બેનેગલ પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને ડોક્યુમેન્ટરી નિર્માતા હતા. તેઓ 70ના દાયકાના દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓમાંના એક હતા. તેમનો જન્મ 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું હતું.
બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 12 વર્ષની ઉંમરે તેમના પિતા શ્રીધર બેનેગલ દ્વારા આપવામાં આવેલા કેમેરા સાથે બનાવી હતી. તેમની પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાતી ભાષામાં 'ઘેર બેઠા ગંગા' હતી.
શ્યામ બેનેગલની પ્રથમ ચાર ફીચર ફિલ્મોમાં અંકુર, નિશાંત, મંથન અને ભૂમિકાનો સમાવેશ થાય છે. તેમણે તેમની ફિલ્મો મમ્મો, સરદારી બેગમ અને ઝુબૈદા માટે શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.