ભાવનગર: ભાવનગર શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના બાહ્ય વિસ્તારો અને મુખ્ય બજારમાં જથ્થાબંધ વેપારીઓને ત્યાં ઘરાકી નીકળતા તેમના ચેહરા પર સ્મિત જોવા મળી રહ્યું છે.
વિવિધ પ્રકારના પતંગોના ભાવ પતંગ બજારમાં જોવા મળે છે. ત્યારે ઈટીવી ભારતે પતંગ બજારની મુલાકાત લઈને પતંગનો ભાવ સહિત ઉત્તરાયણના માહોલને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ઉત્તરાયણ પગલે પતંગ બજાર થઈ ગરમ
ભાવનગર શહેરના ઘોઘાગેટ વિસ્તારમાં લારીવાળાઓ પતંગો વહેંચવા બેસી ગયા છે. દર વર્ષની પરંપરા મુજબ નીચે પાથરણા પાથરીને તો લારીમાં જથ્થાબંધ પતંગ જોવા મળી રહ્યાં છે. ઉત્તરાયણને એક દિવસ આડો છે, ત્યારે પતંગની ખરીદી ધીરે ધીરે વધતા વ્યાપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.
પતંગની વેરાયટી અને ભાવ
ઉત્તરાયણને એક દિવસ આડો છે, ત્યારે ઈટીવી ભારતે ભાવનગરના આંબા ચોકમાં આવેલા જથ્થાબંધ વેપારીઓ સાથે મુલાકાત કરવા માટે પહોંચી હતી અને આંબા ચોકમાં પતંગની જથ્થાબંધની દુકાન ધરાવતા મનોજભાઈ સાથે વાતચીત કરી હતી.
15 રૂપિયાથી લઈને 100 રૂપિયા વાળી પંતગ
મનોજભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે દિવસથી ખરીદી જોવા મળી રહી છે. પતંગ અમારી પાસે ચીલી, ખંભાતી, બાડેલી જેવા છે. 15 રૂપિયાથી લઈને 25, 35, 60 વાળો પંજો અને 100 રૂપિયાનો પંજો પણ તેમની પાસે છે.
આ વર્ષે પતંગની માંગ કેટલી
ભાવનગર શહેરમાં વિવિધ બાહ્ય વિસ્તારો જેમ કે, રાજકિત રોડ, બોરતળાવ, શિવાજી સર્કલ, જવાહર મેદાન, ઘોઘાગેટ ચોક વગેરે શહેરના મુખ્ય વિસ્તારોમાં પતંગ વેંચનારાઓ જાહેર રસ્તા ઉપર મંડપ નાખીને વેંચાણ અર્થે બેસી ગયા છે. પ્લાસ્ટિકના પતંગ, ચીલી પતંગ અને ખાસ કરીને ભાવનગરવાસીઓ ખંભાતી પતંગ વધારે લેવાનું પસંદ કરતાં હોય છે. આમ ઉત્તરાયણ એક દિવસ પૂર્વે પતંગ બજાર ગરમ થઇ ગઇ છે.