સુરત: ખેરના લાકડાંની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો પર્દાફાશ થઈ ગયો છે. લાકડાંમાંથી બિસ્કીટ બનાવી વિદેશમાં મોકલાતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ED એ 13 સ્થળે દરોડા પાડ્યા છે. આ અંગે સુરતથી મંત્રી મુકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે.
ગુજરાત સરકારના વન વિભાગે ઈડીમાં નોંધાવેલી ફરિયાદના આધારે ખેરના લાકડાંની આંતરરાષ્ટ્રીય તસ્કરીનું કૌભાંડ બહાર આવ્યું છે. રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યા મુજબ, ઈડીએ દેશભરમાં 13 સ્થળોએ દરોડા પાડીને રૂ. 30 લાખ રોકડા અને કાથાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગોધરાનો મુસ્તાક આદમ તાસિયા છે. જેણે 2009માં સ્ટાર ટ્રેડિંગ નામે ખેરના લાકડાનો ડેપો ચલાવવાનું લાયસન્સ મેળવ્યું હતું. લાયસન્સની આડમાં ગુજરાતના જંગલોમાંથી ખેરના લાકડાની તસ્કરી કરવામાં આવતી હતી. કૌભાંડ પકડાતા તેનું લાઇસન્સ રદ થયા બાદ તેણે 2021માં મધ્યપ્રદેશના અલીરાજપુરમાં શાલીમાર એન્ટરપ્રાઇઝ નામે નવો ડેપો શરૂ કર્યો.
તપાસમાં બહાર આવ્યું કે, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આ નેટવર્ક ફેલાયેલું હતું. સુરત વન વિભાગે અલીરાજપુરના ડેપોમાં રેડ કરીને 2055 મેટ્રિક ટન લાકડાંનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓ ખેરના લાકડાંમાંથી બિસ્કીટ બનાવીને તેને વિદેશમાં મોકલતા હતા. હાલમાં ત્રણ આરોપીઓ જેલમાં છે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે.