સુરત: ઈચ્છાપુર વિસ્તારમાં ONGCમાં કામ કરતા વોચમેનને ગોળી મારીને હત્યા કરાઈ હોવાની ઘટના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારના શિવાન જિલ્લાના વિક્રાંતકુમાર રામબાબુસિંગ રાજપુત અને સિધ્ધાર્થ રામબાબુસિંગ રાજપુત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ હત્યા કર્યા બાદ પોતાના વતન બિહારના શિવાન જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા, પરંતુ નેપાળ ભાગે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને તેમના ગામમાંથી જ વેશ પલટો કરીને ઝડપી પાડ્યા હતાં.
હત્યાના આરોપમાં બેની ધરપકડ
આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, ગત 2 જાન્યુઆરીના રોજ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી ONGCમાં કામ કરતા વોચમેનની ગોળી મારી હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની તપાસમાં સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચ પણ કરી રહી હતી. સમગ્ર તપાસમાં જાણવા મળ્યું મળ્યું હતું કે, આ હત્યા વિક્રાંતકુમાર રામબાબુસિંગ રાજપુત અને સિધ્ધાર્થ રામબાબુસિંગ રાજપુતે કરી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોતાના વતન બિહાર ભાગી ગયા હતા
આરોપીઓ બિહારથી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા
જોકે તેમનું વારંવાર લોકેશન ચેન્જ થતા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ મહારાષ્ટ્ર, રાજસ્થાન , છત્તીસગઢ અને અંતે બિહાર ખાતે તેમનું લોકેશન મળ્યું હતું. જેથી અમારે ટીમ દ્વારા બિહારના શિવાન જિલ્લાના કોડિયા ગામ ખાતે પહોંચી હતી, જ્યાં આરોપીઓને પકડવું મુશ્કેલ હતું, જેથી પોલીસની ટીમ દ્વારા વેશ પલટો કરીને ત્યાં એક દિવસ સુધી રોકાઈ રહી હતી. ત્યારબાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અહીંથી આરોપીઓ પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. જોકે, નેપાળ ભાગે તે પહેલાં જ પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતાં.
કેવી રીતે આપ્યો હત્યાની ઘટનાને અંજામ ?
મૃતક રોહિત ગીરી તથા આરોપી વિક્રાંતકુમાર અગાઉ સુરતમાં પહેલા સાથે રહેતા હતા . તેઓ વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો પણ થયો હતો. જેમાં બંને વચ્ચે મારામારી પણ થઇ હતી. ત્યાર બાદ આરોપી વિક્રાંત પોતાના વતન બિહાર જતો રહ્યો હતો, જોકે, મનમાં દુઃખ અને રોષની લાગણી અનુભવતા આરોપી વિક્રાંત પોતાના મિત્ર સિદ્ધાર્થને સાથે લઈને સુરત આવ્યો હતો. સુરત આવીને બંનેએ મૃતક રોહિત શું કરે છે ? ક્યાં જાય છે ? તેની સતત બે દિવસ સુધી રેકી કરી હતી. અંતે આરોપીઓએ 2 જાન્યુઆરીના રોજ મોહિત ઉપર ફાયરિંગ કર્યું હતું અને તેને પેટના ભાગે ગોળી વાગી, ત્યારબાદ ફરી ફાયરિંગ કરવા જતાં ફાયરિંગ થયું ન હતું જેથી આરોપીએ ચાકુથી પેટના ભાગે મોહિતને ઘા માર્યા હતા અને ત્યારબાદ બંદૂક બનાવ સ્થળથી થોડી દૂર ફેંકી ફરાર થઈ ગયા હતા.