દાહોદ: દાહોદ જિલ્લાના નકલી કચેરી, નકલી NAના હુકમો બાદ નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે ધીરધારનો ધંધો કરતા દુકાનદારના ત્યાં ITના અધિકારી બનીને 5 જેટલા શખ્સો રેડ પાડવા પહોંચ્યા હતા.
વેપારીને ડરાવીને માંગ્યા 25 લાખ
IT અધિકારી બનીને આવેલા શખ્સોએ વેપારી તથા તેના પરિવારને ડરાવીને 25 લાખની માંગણી કરી હતી અને બાદમાં કેસને રફે દફે કરવા માટે 5 લાખમાં તોડ નક્કી થયો હતો. જેથી વેપારીએ બે લાખ આપી પણ દીધા હતા અને વધુ બાકીના નાણાં માટે માંગણી કરાતા વેપારી દ્વારા પોતાના ભાઈઓ તથા વેપારી મંડળમાં પૈસાની મદદ માંગવામાં આવી હતી. જોકે અધિકારીઓ બોગસ હોવાનું ખુલતા વેપારીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તમામ 5 આરોપીઓની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.
પોલીસ ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે નાણાં ધીરધારનો ધંધો કરતા વેપારી અલ્પેશભાઈ પ્રજાપતિની દુકાનમાં ગત દિવસના રોજ બપોરે 6 જેટલા શખ્સો ઈન્કમટેક્ષ ઓફિસર હોવાની ઓળખ આપીને આવ્યા હતા. તેઓ વેપારીને કહેવા લાગ્યા કે, અમે ઈન્કમટેક્ષ ઓફિસર છીએ, તમારી દુકાન અને ઘર સર્ચ કરવાનું છે. આ બાદ શખ્સોએ ઘરમાં દર, દાગીના, રોકડ સર્ચ કરવાનું શરૂ કર્યું હતું તથા રેડથી બચવા માટે 25 લાખની માંગણી કરાઈ હતી.
5 લાખનો તોડ નક્કી કર્યો હતો
પરંતુ અલ્પેશભાઈ પાસે વધારે પૈસા ન હોવાથી 5 લાખમાં તોડ નક્કી થયો હતો. બાદમાં બે લાખ રૂપિયા પોતાની પાસે હોવાથી નકલી અધિકારીઓને આપી દીધા હતા. બાકીના નાણા માટે તેમણે પોતાના ભાઈ તથા વેપારી મંડળમાં સહાયની માંગણી કરતા વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે અધિકારીઓ નકલી છે. તેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી અબ્દુલ સુલેમાન, ભાવેશ આચાર્યને ઝડપી પાડી કાયદેસરની કાર્ય હાથ ધરી હતી. બાદમાં બીજા આરોપી મનીષ પટેલ, વિપુલ પટેલ, ઉમેશ પટેલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વધુ એક આરોપી ફરાર થઈ ગયો છે એને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પકડાયેલા આરોપી હોમગાર્ડ, GST અધિકારી નીકળ્યા
ચોંકાવનારી બાબત એ છે ઈન્કમટેક્સ અધિકારી બનીને નકલી રેડ મારનારા આ આરોપીઓ પૈકી એક હોમગાર્ડ જવાન, એક RTI એક્ટિવિસ્ટ, એક GST વિભાગમાં નોકરી કરે છે, એક જમીન દલાલ તથા એક રેલ્વે કર્મચારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: