નડિયાદઃ ઉત્તરાયણ પર્વ પર કેટલીક વાર પતંગની દોરી લોકો માટે જીવલેણ નીવડતી હોય છે. ઘાતક દોરીથી ખાસ કરીને ટુવ્હીલર વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે જીવલેણ દોરીથી લોકોના જીવનની રક્ષા કરવા નડિયાદની એક સંવેદનશીલ નર્સ યુવતી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગળાના રક્ષણ માટે તેણી દ્વારા કેનવાસનો બેલ્ટ બનાવવામાં આવ્યો છે. આ બેલ્ટ તે પોતાના મહાદેવ ગ્રુપના મિત્રોની મદદથી રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને વિનામૂલ્યે બાંધી રહી છે. જેમાં તેણીને શહેર પોલીસ અને ટ્રાફીકનો પણ સહયોગ મળી રહ્યો છે.
નડિયાદ શહેરની મહાગુજરાત હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી અંકીતા પટેલે ગત વર્ષથી આ અભિયાન શરૂ કર્યું છે.ઉત્તરાયણ સમયમાં પતંગના ઘાતક દોરાથી ગળુ કપાતા મોત નિપજવાની ઘટનાઓ બનતી અટકે તે માટે કંઈક કરવાનું વિચાર્યું હતું. જેને લઈ તેણીએ કેનવાસનો એક બેલ્ટ તૈયાર કર્યો છે. જે ગળાના ભાગે લગાવવાથી ગળુ સુરક્ષિત રહે છે. બેલ્ટની લંબાઈ 18 ઇંચ અને પહોળાઇ 4 ઇંચ છે. કેનવાસ મટીરીયલ હોઈ દોરી આ બેલ્ટને કાપી શકતી નથી.ટુવ્હિલર વાહન ચલાવતી વખતે આ બેલ્ટ બાંધે તો મોટી જાનહાનિ થતાં અટકે છે.
જાતે બેલ્ટ બનાવી વાહનચાલકોને બાંધે છે
હોસ્પિટલની નોકરી તેમજ ઘરના કામ બાદ જે સમય મળે તેમાં અંકિતા આ બેલ્ટ તૈયાર કરે છે. જે બાદ બીજે દિવસે નોકરીમાં બ્રેકના સમયે અંકીતા પોતાના મહાદેવ ગ્રુપના મિત્રો સાથે રોડ પર ઊભી રહે છે. જ્યાંથી પસાર થતા વાહનચાલકોને તેઓ સમજાવીને વિનામૂલ્યે આ બેલ્ટ બાંધી આપે છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન આ કામગીરી કરે છે. તેણીની આ ઉમદા કામગીરીમાં ટ્રાફીક અને શહેર પોલીસનો પણ સહયોગ મળી રહ્યો છે. જીવલેણ દોરી સામે લોકોના જીવનની રક્ષા કરવાના તેણીના આ અભિયાનને લોકો બિરદાવી રહ્યા છે.
લોકોને નજર સામે મોતને ભેટતા જોઈ આવ્યો વિચાર: અંકીતા
અંકિતા કહે છે કે, નર્સ તરીકે નોકરી કરતી હોઈ દોરીને કારણે એક યુવકને અને પોતાની હોસ્પિટલમાં એક યુવતીને દમ તોડતા જોઈ હતી. ઉત્તરાયણ પર અવાર નવાર આવી ઘટનાઓ બની રહી હોઈ લોકોના જીવન બચાવવાનો વિચાર આવતા જાતે આ સેફ્ટી બેલ્ટ બનાવ્યા છે. લોકોને ફ્રીમાં વિતરણ કરીએ છીએ.
ખૂબ સારી કામગીરી છે: વાહનચાલક
વાહન ચાલક હીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, જે સેફ્ટી બેલ્ટ લગાવવામાં આવે છે તે કામગીરી ખૂબ સારી છે. પ્રસંશનીય કામગીરી છે. હું બિરદાવું છું. મારા તરફથી તેમને પુરા સહકારની ખાતરી આપું છું.
સેફ્ટી બેલ્ટ લગાવી લોકોને સમજ આપીએ છીએ: પીઆઈ
નડિયાદ શહેર પીઆઈ એમ.બી.ભરવાડે જણાવ્યુ હતું કે, મહાદેવ ગ્રુપ સાથે સંકલન કરી ટ્રાફીક પોલીસ અને નડિયાદ પોલીસ દ્વારા સેફ્ટી બેલ્ટ લગાવવાનો કાર્યક્રમ છે. જે અન્વયે નગરજનોને ગળામાં વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ લગાવીએ છીએ. તેઓને આ અંગે સમજ આપીએ છીએ કે સેફ્ટી બેલ્ટ લગાવવાથી જીવન બચી શકે છે. ઈજા થતી બચી શકે છે.