સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં એક 9 વર્ષની બાળકીનું જમતી વખતે દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમદાવાદની એક શાલામાં ધોરણ 3 ની વિદ્યાર્થિનીનું આવી જ રીતે અચાનક મૃત્યુ થયું હતું. પરિવાર માટે આ અતંયત આઘાતજનક ઘટના હતી.
વી.કે પાર્ક સોસાયટીમાં રહેતા અને ડાઇંગ મિલમાં કામ કરતા મુકેશભાઈ પાસવાનની મોટી દીકરી રિયા, જે માત્ર 5 મહિના પહેલા જ મધ્યપ્રદેશથી પરિવાર સાથે સુરત આવી હતી, તેનું આકસ્મિક મોત થયું છે.
![સુરતમાં 9 વર્ષની બાળકીનું જમતા-જમતા મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2025/gj-surat-rural07-balki-gj10065_12012025204323_1201f_1736694803_208.jpg)
ઘટના દરમિયાન રિયા ઘરે ભોજન કરી રહી હતી. જ્યારે અચાનક તે બેભાન થઈને જમીન પર ઢળી પડી, ત્યારે પરિવારજનો અને પાડોશીઓએ તાત્કાલિક તેને ચલથાણ ગામની સંજીવની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે અહીં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
મૃતક બાળકીની માતા દેવંતી દેવીના જણાવ્યા મુજબ, તેઓ કામ અર્થે ઘરની બહાર ગયા હતા અને ઘરે પરત ફરતા રિયાને જમીન પર પડેલી જોઈ. તેમણે રિયાને બૂમો પાડી પણ કોઈ પ્રતિસાદ ન મળતા આસપાસના લોકોની મદદથી તેને હોસ્પિટલ લઈ ગયા.
![સુરતમાં 9 વર્ષની બાળકીનું જમતા-જમતા મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2025/gj-surat-rural07-balki-gj10065_12012025204323_1201f_1736694803_977.jpg)
કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના ASI અશ્વિનભાઈના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હાલ અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.