વકફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિનો (JPC) રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિરોધ પક્ષોના ભારે હોબાળાને કારણે ઉપલા ગૃહની કાર્યવાહી 11 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. સવારે ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ ભારતીય જનતા પાર્ટીના (BJP) મેધા વિશ્રામ કુલકર્ણીએ સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ કર્યો હતો.
JPC રિપોર્ટ રજૂ થતાની સાથે જ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો સહિતના અન્ય કેટલાક પક્ષોના સભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. આંદોલનકારી સભ્યો ખુરશીની નજીક આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. હંગામો મચાવનાર સભ્યોને પોતપોતાની જગ્યાએ પાછા ફરવા અને ગૃહમાં સુવ્યવસ્થા બનાવવા અપીલ કરતા અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે, ગૃહમાં રાષ્ટ્રપતિનો સંદેશ રજૂ કરવા માંગે છે. જોકે, તેમ છતાં હોબાળો ચાલુ રહ્યો હતો.
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કંઈક કહેવા માંગતા હતા પરંતુ અધ્યક્ષે મંજૂરી આપી ન હતી. અધ્યક્ષ ધનખરે કહ્યું કે, આ ભારતના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલાનો સંદેશ છે અને તેને ગૃહમાં રજૂ કરવાની મંજૂરી ન આપવી એ તેમનું અપમાન હશે. હું આને મંજૂરી આપીશ નહીં. હંગામો જોઈને અધ્યક્ષ ધનખરે સવારે 11.09 કલાકે ગૃહની કાર્યવાહી 11.20 સુધી સ્થગિત કરી દીધી હતી.