કચ્છ: જિલ્લાની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાના નવા લોગોમાં 'શહેરનો વિકાસ એ દેશની શક્તિ'નો સંદેશ છે. મહાનગરપાલિકા દ્વારા લોગો ડિઝાઇન કરવા માટે હરીફાઈ રાખવામાં આવી હતી, જેમાં 363 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 553 જેટલા લોગો આવ્યા હતા.
ભુજની ગૃહિણીએ ડિઝાઇન કર્યો ગાંધીધામ મહાનગરપાલિકાનો નવો લોગો:
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ સંકુલની ઓળખ વિકાસ, સંસ્કૃતિ અને સૌહાર્દ સાથે પ્રગતિને દર્શાવતો લોગો ડિઝાઇન કરવા માટે એક હરિફાઈનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાંથી મહાનગરપાલિકાને જરૂરી પરિબળો મુજબનો લોગો મળી ગયો છે. કોર્પોરેશને નાગરિકો પાસે સંકુલના તમામ પાસાને આવરી લેતો લોગો મંગાવ્યો હતો. જેમાં 363 જેટલા લોકો સહભાગી બન્યા હતા, તેમાંથી ભુજની ગૃહિણીનો લોગો પસંદ કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં તમામ સ્પર્ધકોને મહાનગરપાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
![ગાંધીધામ મહાનગરપાલિકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/gj-kutch-02-gandhidham-logo-photo-story-7209751_13022025101842_1302f_1739422122_36.jpg)
363 સ્પર્ધકોના 553 લોગોમાંથી પસંદ કરવામાં આવ્યું લોગો: ગાંધીધામ મહાનગરપાલિકાના નવા લોગો માટે 363 સ્પર્ધકોએ 553 જેટલા લોગા બનાવીને મોકલ્યા હતા. જેમાંથી લોગો સ્ક્રુટીની કમિટી દ્વારા વિવિધ પાસાને ધ્યાનમાં રાખીને એક લોગો પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં મૂળ ગાંધીધામની અને લગ્ન પછી ભુજની પુત્રવધુ રિદ્ધિ દીપ મોરબિયાએ બનાવેલો લોગો મહાનગરપાલિકાના નવા લોગો તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વિજેતાને રોકડા રૂપિયા 21,000 અને પ્રમાણપત્ર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
લોગો શહેરની ઓળખ અને વિકાસનું પ્રતીક: આ લોગોમાં “नगरस्य विकास: राष्ट्रस्य बलम" સૂત્ર મૂકવામાં આવ્યું છે. એટલે કે 'શહેરનો વિકાસ દેશની શક્તિ છે,' તે સ્લોગન સાથે લોગોમાં સમાવિષ્ટ પાસાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાનો લોગો શહેરની ઓળખ અને વિકાસનું પ્રતીક છે.
![ગાંધીધામ મહાનગરપાલિકાનો નવો લોગો થયો રિવિલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/gj-kutch-02-gandhidham-logo-photo-story-7209751_13022025101842_1302f_1739422122_15.jpg)
લોગોમાં દર્શિત જુદા જુદા ચિહ્ન: આ લોગોમાં પાંદડું અને બલ્બ દર્શાવવામાં આવ્યું છે જે પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતા બતાવે છે. ગાંધીધામ કે જે પચરંગી પ્રજા સાથેનું નગર છે માટે અહીં વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સુમેળ છે. ગાંધીધામમાં લોકો એકતા અને સૌહાર્દ સાથે રહે છે તેવું ચિહ્ન પણ દર્શાવવામાં આવ્યું છે. તો સાથે જ ગાંધીધામમાં અનેક ઉદ્યોગો આવેલા છે. જેથી ઉદ્યોગ ચિહ્ન શહેરની ઉદ્યોગ સર્જન અને આર્થિક વૃદ્ધિને દર્શાવે છે. તો શહેરની સ્થાપના સાથે ગાંધી સમાધિ જોડાયેલી છે તેથી લોગોમાં ગાંધી સમાધિ છે તે શાંતિ અને સાદગીના મૂલ્યો દર્શાવે છે. ગાંધીધામ કંડલા પોર્ટ જે મોટું પોર્ટ છે અને આ પોર્ટ શહેરની વૈશ્વિક જોડાણની મહત્વપૂર્ણ ભૂમિકા બજાવે છે. ત્યારે લોગોમાં જહાજની કૃતિ પણ દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: