સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ચણાનું 54 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે, અને સરકારે ટેકાના ભાવ પણ જાહેર કરી દીધા છે, પરંતુ હજી સુધી ચણાના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પર પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, અને ક્યારે ખરીદી થશે તે પણ નક્કી નથી.
જેને લઈ ખેડૂતો માટે પોર્ટલ શરૂ કરવામાં આવે અને રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તેમજ ખરીદીની તારીખ નક્કી કરવામાં આવે તેવી માંગ જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાક ઘઉં,જીરુ, વરિયાળી અને ચણાનું 2,66,44 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે, જેમાં ખાસ કરીને ચણાનું 54,348 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે ગત વર્ષે 25,800 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું.
![સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ચણાનું 54 હજાર હેક્ટરમાં વાવેતર થયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/snr-chananikharidiregistrationportalkhulvamang-10019_15022025134046_1502f_1739607046_963.jpg)
ગત વર્ષે ચણાનો પ્રતિમણ 1100 રૂપિયા ભાવ હતો, જ્યારે ચાલુ વર્ષ દરમિયાન ચણાનો 1300 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે, ત્યારે સરકારે ટેકાના ભાવ 5650 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે. જેમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લામાં ચણાનું વાવેતર ડબલ થયું છે.
![સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનું મબલક ઉત્પાદન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/snr-chananikharidiregistrationportalkhulvamang-10019_15022025134046_1502f_1739607046_980.jpg)
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ચણાનું મબલક ઉત્પાદન થયું છે, હવે ખેડૂતો રજીસ્ટ્રેશન પક્રિયા માટે પોર્ટલ પર મીટ માંડીને બેઠા છે, બીજી તરફ ટેકાના ભાવ તો જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ ટેકાના ભાવે ચણાની ખરીદીની તારીખ હજી સુધી નક્કી થઈ શકી નથી, ત્યારે ખેડૂતોની માંગ છે કે પોર્ટલ પર વહેલી તકે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને ખરીદીની તારીખ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.