જૂનાગઢ: હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોર્પોરેશનની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જિલ્લાની 6 નગરપાલિકામાં મતદાન થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
આવતીકાલના મતદાનને લઈને પ્રક્રિયા પૂર્ણ: 16 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જિલ્લાની 6 નગરપાલિકાઓ માંગરોળ, વંથલી, વિસાવદર, ચોરવાડ, માણાવદર અને બાટવા પાલિકા માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન: મતદાન મથકમાં જરૂરી સાહિત્ય, મતદાન અધિકારી અને કર્મચારીઓની સાથે ઈવીએમ (EVM) સહિતની તમામ સામગ્રી આજે તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મોકલી દેવામાં આવી છે. આવતી કાલે સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 18મી તારીખે જૂનાગઢ મનપા અને તમામ 6 નગરપાલિકાઓની મતગણતરી વહેલી સવારે 9 વાગે શરૂ કરવામાં આવશે.
મતદાન મથકો અને મતદારોની સંખ્યા: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 13 વોર્ડમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં 251 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 1,17,163 પુરુષ અને 1,11,943 સ્ત્રીઓ મળીને કુલ 2,29,116 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સાથે જ જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓમાં પણ 140 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તમામ નગરપાલિકામાં 1,26,722 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના નવા નગરસેવકોની પસંદગી કરશે.
ચૂંટણી વોર્ડ પર કર્મચારી તૈનાત: સાથે સાથે વંથલી તાલુકા પંચાયતની એકમાત્ર બેઠક પરની પેટા ચૂંટણી માટે પાંચ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 4,606 મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા માટે જૂનાગઢ મનપામાં 1,424 અને જૂનાગઢ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 897 અને વંથલી તાલુકા પંચાયતની એક બેઠક પર 30 કર્મચારીઓ મતદાનના દિવસે ફરજ બજાવશે.
આ પણ વાંચો: