નવસારી: ચીખલીના જોગવાડ ગામે રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આંટાફેરો કરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો. દીપડાની ગતિવિધીથી સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.
નવસારી જિલ્લામાં આવેલા પૂર્વ પટ્ટી વિસ્તાર ચીખલી તાલુકો અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો સમયાંતરે કેમેરામાં કેદ થતા રહે છે. ત્યારે હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર હોવાથી પાણી અને ખોરાકના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ધસી આવે છે.
દીપડાની દહેશત
નવસારીના પૂર્વ પટ્ટીના વિસ્તારો વાંસદા અને ચીખલી જેવા વિસ્તારો હિંસક પ્રાણીઓને માફક આવી રહ્યા છે, કારણ કે અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે. જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયો છે. તો બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓમાં રખડતાં શ્વાન સહિત પાણી જેવી જરૂરિયાતો અહીં સંતોષાતા દીપડાઓની અહીં ગતિવિધિ વધી રહી છે. જેને લઈને દીપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો-સામનો પણ થઈ જતો હોય છે. તેથી દીપડાઓ રાત્રિ દરમિયાન માનવ વસ્તી તરફ પણ આવી ચઢતા હોય છે, અને પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે, ત્યારે વન વિભાગ પણ અવાર-નવાર ગ્રામિણોની ફરિયાદના આધારે પાંજરાઓ ગોઠવી દીપડાઓને પકડી પાડવા પોતાની કામગીરી કરતી હોય છે.
જોગવાડ ગામે રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા
ચીખલી તાલુકાના જોગવાડ ગામે રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન મકાનના પાર્કિંગમાં લટાર મારતો એક દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, દીપડાઓ શિકારની શોધમાં ઝાડી જંગલોને છોડી હવે રહેણાંક વિસ્તારોના ઘરો સુધી પહોંચી જતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.
રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા
સીસીટીવી ફૂટેજમાં દેખાઈ છે કે, રાત્રિ દરમિયાન એક દીપડો બિંદાસ સ્ટ્રીટ લાઈટના અજવાળે શિકારની શોધમાં લટાર મારતો દેખાય છે, હાલ તો દીપડાનો રહેણાંક વિસ્તારમાં આંટાફેરાએ જોગવાડ ગામના લોકો સહિત ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે
વન્ય અધિકારીઓની સુચના
આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર આકાશ પડસાલા જણાવ્યું હતું કે, હાલ ચીખલી તાલુકામાં દીપડાને પાંજરે પુરવા માટે અલગ-અલગ જગ્યાએ પાંચ થી સાત પિંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હાલ સોશિયલ મીડિયા પર દીપડાનો લટાર મારતા વાયરલ વીડિયોની અમે પુષ્ટિ કરી નથી. તો બીજી તરફ લોકોએ પણ દીપડાના હુમલાથી બચવા માટે સાવચેતીના પગલાં રાખવાની જરૂર છે. જેમાં રાત્રિ દરમિયાન અન્ય જગ્યાએ જવું ટાળવું જોઈએ, અથવા તો બે-ત્રણ લોકોએ સાથે જવું જોઈએ. આ ઉપરાંત ખુલ્લામાં શૌચક્રિયા માટે જવાનું પણ ટાળવું જોઈએ.