શુક્રવારી બજારમાં બંધ થતાં ધંધાર્થીઓની કફોડી સ્થિતિ, તંત્રએ માલ સામાન જપ્ત કરતાં આક્રોશ - વડોદરમાં ધંધાર્થીઓની કફોડી હાલત
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યુ છે. આ બાબતને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા શુક્રવારી બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શુક્રવારી બજારમાં મોટાભાગે જૂનો માલ સામાન, જૂની કાઢી નાખવામાં આવેલી ચીજવસ્તુઓ, જૂની ઈલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પુસ્તકો, હાર્ડવેરનો સામાન વગેરે વેચાતો હોય છે. દરમિયાન છેલ્લા પાંચ મહિનાથી શુક્રવારી બજાર બંધ રહેતા કફોડી પરિસ્થિતિમાં મૂકાયેલા લારી-પથારા ધારકો વેપાર અર્થે શુક્રવારી બજાર આવી પહોંચ્યા હતાં. જ્યાં પાલિકાની ટીમે સામાન જપ્ત કરતા લારી પથારા ધારકોએ પાલિકા વિરૂધ્ધ ભારે આક્રોશ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા વેપાર-ધંધા બંધ છે અને તંત્ર દ્વારા પણ અમને કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી તો અમારે પેટિયું કેવી રીતે રડવું તે સમસ્યા વિકટ બની છે. શુક્રવારી બજારમાં સામાન્ય રીતે ખરીદી માટે ભારે ભીડ થાય છે અને આ બજાર ભરાવાથી કોરોના સંક્રમણ ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની દબાણ હટાવતી ટીમ વોર્ડ નંબર 8 ના વોર્ડ ઓફિસર સ્ટાફ સાથે પોલીસ બજારમાં આવી પહોંચ્યા હતા અને આ બજાર શરૂ થવાથી ભીડ ભેગી થતા સેલ્ફ ડિસ્ટન્સ રાખી શકાશે નહીં તેવું ધંધાર્થીઓને સમજાવ્યું હતું. શુક્રવારી બજારમાંથી માલ સામાન જપ્ત કરીને અટલાદરા સ્ટોરમાં મોકલી દેવામાં આવ્યો હતો.