ખેડા: આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળાએ કહેર વર્તાવ્યો છે. ધર્મજ ગામમાં કમળાના કુલ કેસની સંખ્યા 87 પર પહોંચી છે. ગામમાં રોગચાળાની સ્થિતિને લઈ ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા. હાલ ગામમાં આરોગ્ય વિભાગની 18 જેટલી ટીમો જુદા જુદા પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે. આણંદ જિલ્લાનું પેટલાદ તાલુકાના ધર્મજ ગામ કમળાગ્રસ્ત થયું છે.
ગામમાં કુલ કેસની સંખ્યા 87
ગઈકાલે ધર્મજ ગામમાં કમળા રોગના નવા 20 દર્દીઓ મળી આવ્યા હતા. આજના નવા આવેલા દર્દીઓનો સમાવેશ કરતા ધર્મજ ગામમાં કમળાના રોગના કુલ કેસની સંખ્યા 87 પર પહોંચી છે. ગામના અલગ અલગ વિસ્તારમાં કુલ 4500 જેટલા લોકો અસરગ્રસ્ત છે. જ્યારે કુલ દાખલ દર્દીઓની સંખ્યા 72 પર પહોંચી છે.

આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ
ગામમાં રોગચાળાની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગામમાં દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.હાલ ગામમાં આરોગ્ય વિભાગની કુલ 18 ટીમો જુદા જુદા પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે.કલેક્ટર દ્વારા ગ્રામજનોને આરોગ્ય વિભાગ દ્વારા અપાતી સુચનાઓનો અમલ કરવા અપીલ કરાઈ છે.

પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો
ગામમાં પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાનું જણાવાઈ રહ્યું છે.છેલ્લા એક અઠવાડિયામાં પીવાના પાણીની લાઈનમાં કુલ 23 લીકેજ મળી આવ્યા હતા.જેને લઈ ગ્રામ પંચાયત દ્વારા 13 લીકેજ રીપેર કરવામાં આવ્યા છે.જયારે 10 લીકેજ રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી ચાલુ છે : કલેક્ટર
આ બાબતે જીલ્લા કલેક્ટર પ્રવિણકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં છેલ્લા પાંચ છ દિવસથી કમળાના શંકાસ્પદ કેસો આવી રહ્યા છે.જે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રદૂષિત પાણી પીવાથી મુખ્ય સોર્સ એનો પ્રદૂષિત પાણી છે.અત્યારે લગભગ 72 જેટલા દર્દીઓ દાખલ છે.સમગ્ર ગામમાં જે અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ,ક્લોરિન ટેબલેટનું વિતરણ ટેબ્લેટ કઈ રીતે વાપરવાનું પાણી ઉકાળીને પીવાનું સમગ્ર ગામમાં લાઉડ સ્પીકરથી જુદી જુદી જગ્યાઓએ નોટિસ બોર્ડથી અને ડોર ટુ ડોરથી આરોગ્ય અને પંચાયતની ટીમો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.