સુરત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમા પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 4 પર 260 મીટર લાંબો PSC પુલ 22મી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થયો.
આ પ્રોજેક્ટ સુરત જિલ્લાના કોસંબા નજીક ઉંચા વાયડક્ટ મારફતે દિલ્હી અને મુંબઈ વચ્ચેના (રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતા) રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 4 ઉપરથી પસાર થાય છે.

આ પુલમાં 104 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં ચાર સ્પાનની ગોઠવણી 50મી + 80મી + 80મી + 50મી છે અને તે બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિ વડે નિર્માણ કરવામાં આવ્યું છે, જે મોટા સ્પાન માટે આદર્શ છે. નવો પૂર્ણ થયેલો પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનોની વચ્ચે આવેલો છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 4 દિલ્હી અને મુંબઈ વચ્ચેનો નિર્માણાધીન ધોરીમાર્ગ છે. બ્રિજનું નિર્માણકાર્યનું ધ્યાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વાહનો અને કામદારોની સલામતી સુનિશ્ચિત થઈ શકે, સાથે જ ટ્રાફિક પ્રવાહ સતત ચાલું રહે અને જાહેર જનતાને ઓછામાં ઓછી અસુવિધા અનુભવાય.
ગુજરાતમાં પૂર્ણ થયેલ પીએસસી પુલોની વિગતો:
અનુક્રમ નં. | પુલની લંબાઈ (મીટરમાં) | સ્પાન ગોઠવણી | બુલેટ ટ્રેન સ્ટેશનો | જિલ્લો | સ્થળ | પૂર્ણ થવાની તારીખ |
5મો પીએસસી પુલ | 260 | 50મી + 80મી + 80મી + 50મી (ચાર સ્પાનની ગોઠવણી) | સુરત અને ભરૂચ વચ્ચે | સુરત | રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 4 | 22મી ફેબ્રુઆરી 2025 |
4થો પીએસસી પુલ | 210 | 40મી + 65મી + 65મી + 40મી(ચાર સ્પાનની ગોઠવણી) | આણંદ અને અમદાવાદ વચ્ચે | ખેડા | રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 | 9મી જાન્યુઆરી 2025 |
3જો પીએસસી પુલ | 210 | 40મી + 65મી + 65મી + 40મી (ચોક્કસ ચાર સ્પાન) (ચાર સ્પાનની ગોઠવણી) | વાપી અને બિલીમોરા વચ્ચે | વલસાડ | રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 | 2મી જાન્યુઆરી 2025 |
2જો પીએસસી પુલ | 210 | 40મી + 65મી + 65મી + 40મી (ચાર સ્પાનની ગોઠવણી) | સુરત અને બિલીમોરા વચ્ચે | નવસારી | રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 | 1લી ઓક્ટોબર 2024 |
1લો પીએસસી પુલ | 260 | 50મી + 80મી + 80મી + 50મી (ચાર સ્પાનની ગોઠવણી) | સુરત અને બિલીમોરા વચ્ચે | નવસારી | રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 | 18મી ઑગસ્ટ 2024 |
ખાસ છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક સ્લેબ ઉત્પાદન માટે સુરત નજીક જ ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી છે. કિમ ગામમાં સ્થિત પ્રોજેક્ટ સાઇટ બુલેટ ટ્રેનના બાંધકામ માટે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ અને ટ્રેક સ્લેબની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. પ્રી-કાસ્ટ રિઇનફોર્સ્ડ કોંક્રિટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે 2,200 મીમી પહોળા, 4,900 મીમી લાંબા અને 190 મીમી જાડા હોય છે, દરેક સ્લેબનું વજન આશરે 3.9 ટન હોય છે. ફેક્ટરીને દરરોજ 120 સ્લેબ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ફેક્ટરીના ઉત્પાદન ક્ષેત્રમાં 96,000 J-સ્લેબના ઉત્પાદનનો સમાવેશ થાય છે.