અમદાવાદ: ગુજકેટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે મુજબ ગુજકેટ 2025ની પરીક્ષા આ વખતે 23 માર્ચના રોજ યોજાશે.
શું હશે પરીક્ષાનો સમય?
ખાસ છે કે, વર્ષ 2017થી એન્જિનિયરિંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ એ.બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચના દિવસે યોજવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે.
ગુજકેટની પરીક્ષાનું માળખું
ગુજકેટની પરીક્ષતા માટે વિદ્યાર્થીઓને ચાર વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનના પેપર 40-40 માર્ક્સના રહેશે. એમ કુલ 80 પ્રશ્નોના 80 માર્ક્સ હશે અને આ માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતના પણ 40-40 માર્ક્સના પેપર રહેશે અને બંને પરીક્ષા માટે 60-60 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી એમ ત્રણેય માધ્યમમાં આપવામાં આવશે.
આ પણ વાંચો:
માર્ચમાં ગુજરાતની બેંકો અને સરકારી કચેરીઓ કેટલા દિવસ બંધ રહેશે? જાણો રજાઓનું લિસ્ટ