સુરત: હજીરાની સરકારી અને સરકાર હસ્તકની અંદાજિત ૧૨૦૦ કરોડથી વધુ કિંમતની જમીન પર છેલ્લાં ૩૫ વર્ષથી થયેલા બિનઅધિકૃત દબાણ બદલ ચોર્યાસી મામલતદારે તપાસ કરી કેસ ઉપસ્થિત કરીને સુનાવણી રાખ્યા બાદ AM/NS ઈન્ડિયા કંપનીને ૧૦૬ કરોડ રૂપિયાનો દંડ અને ૯૦ દિવસમાં ભરપાઈ કરવાનો આદેશ કર્યો હતો. અંદાજિત ૬.૩૦ લાખ ચો.મી જમીનમાં પ્લાન્ટ અને ટાઉનશીપ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા મહાઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચોર્યાસી મામલતદારે હજીરાની કંપનીઓમાં બિનઅધિકૃત દબાણ અંગે તપાસ કરી હતી.
તપાસ દરમિયાન આરીલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એમએમએનસ) દ્વારા એક નહીં અલગ-અલગ ૧૦ થી ૧૫ જેટલા હજીરાના સરકાર અને સરકાર હસ્તકની જમીનોના નંબરોમાં અંદાજે ૬.૩૦ લાખ ચો.મી જમીનમાં દબાણ કર્યુ હોવાનું બહાર આવ્યુ હતુ.
આથી એએમએનએસને કંપની નોટિસ ફટકારીને પુરાવા રજુ કરવા આદેશ કરાયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ એસ્સાર સ્ટીલ કંપની દ્વારા વર્ષ ૧૯૯૦માં આ જમીન પર સ્ટીલ પ્લાન્ટ અને નંદનિકેતન ટાઉનશીપ બનાવાઈ હતી.

જોકે, હાલ એએમએનએસ પાસે હોવાથી ચોર્યાસી મામલતદારે સુનાવણી પૂર્ણ કરીને દબાણ બદલ એએમએનએસને ૧૦૯ કરોડ રૂપિયાનો દંડ અને ૯૦ દિવસમાં ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો. આ ભરપાઈ ના કરે તો મિલકત જપ્ત કરવાનો આદેશ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ સ્વખર્ચે ડિમોલેશન કરવાનું રહેશે.

હાલમાં હજીરાની આજુબાજુ સરકારી સર્વે નંબરોમાં જમીનનો ભાવ પ્રતિ ચો.મી રૂ.૧૫ થી ૨૦ હજારની વચ્ચે ચાલતો હોવાથી ૬.૩૦ લાખ ચો.મી જમીનની આજની બજાર કિંમત 1200 કરોડથી વધુની થાય છે. ઉલ્લેખનીય છે કે હજીરાના સર્વે નંબરો પૈકી ૪૩૪, ૩૦૬ તેમજ આજુબાજુના સર્વે નંબરોમાં દબાણ થયુ હોવાનું જાણવા મળ્યું છે.