પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું - પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
દાહોદ: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદાર કચેરી આગળ ધરણાં યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.રાજ્ય વ્યાપી ધરણાંના પગલે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના શરૂ કરવા તથા પોતાના વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે દાહોદ શહેરના મામલતદાર કચેરી બહાર ધરણાં પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ રેલી યોજી દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત કરી હતી.
દાહોદ શહેરના મામલતદાર કચેરી બહાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહાપ્રધાન હસમુખભાઈ પી.પંચાલ અને પ્રમુખ સુરતાનસિંહ જે કટારાના નેતૃત્વમાં સંઘમાં જોડાયેલા પ્રાથમીક શિક્ષકો દ્વારા એક દિવસીય ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બપોરના ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધી ધરણાં પ્રદર્શનમાં શિક્ષકો દ્વારા પ્લેકાર્ડ બતાવીને પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં દાહોદ જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના વિવિધ પ્રશ્નો જેવા કે જુની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગાર પંચની સંપૂર્ણ અમલવારી, દેશના બધા રાજ્યોના ફિક્સ પગારી શિક્ષકો, વિદ્યા સહાયકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એક સરખું વેતન આપવામાં, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતીમાં શિક્ષકોને હાનીકર્તા બાબતો દુર કરવી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કાર્ય માટેની પરીક્ષાનું પૂર્ણ આયોજન થાય તેમ કરવું, ઉચ્ચ પગાર ધોરણ સી.સી.સી. પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા, પ્રથમ ઉચ્ચ પગાર ધોરણ રૂપિયા ૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવા વિગેરે જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે ધરણા યોજી દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.