કચ્છ : ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના પિંગલેશ્વર બીચ અને સફેદ રણમાં શાનદાર એર-શો કરવામાં આવશે. જેના કારણે કચ્છનું આકાશ લાલ રંગથી રંગાઈ જશે. નાગરિકો આ એર શો કેવી રીતે માણી શકશે, શું છે સમગ્ર આયોજન જાણો આ અહેવાલમાં...
સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો : ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ સરહદી જિલ્લા કચ્છના આકાશમાં 3 દિવસ એર શો કરશે. IAF પાઇલટ પોતાની કુશળતા અને ક્ષમતાઓનું પ્રદર્શન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. ભારતીય વાયુસેનાના 9 વિમાન સાથે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા પિંગલેશ્વર બીચ અને સફેદ રણમાં આગામી સમયમાં એર શો રજૂ કરવામાં આવશે. આ સાથે સુખોઈ-30 અને જગુઆર વિમાન પણ પ્રદર્શન કરવામાં આવશે.
પિંગલેશ્વર બીચના આકાશમાં હવાઈ કરતબ : સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા કચ્છમાં બે સ્થળોએ એર શો યોજવામાં આવશે, જેમાં પ્રથમ વખત અબડાસા તાલુકામાં એર શો યોજવામાં આવશે. 29 જાન્યુઆરીના રોજ પિંગલેશ્વર બીચના આકાશમાં લડાકુ વિમાન હવાઈ કરતબ બતાવશે. જોકે, અગાઉ નલિયાને પસંદ કરવામાં આવ્યું હતું, પણ વધુ ભીડ ઉમટવાની શક્યતાના પગલે પિંગલેશ્વર બીચ પસંદ કરવામાં આવ્યો છે. ગત વર્ષે ભુજમાં 25 અને 26 જાન્યુઆરીએ એરફોર્સ સ્ટેશન ખાતે એર શો યોજવામાં આવ્યો હતો, જેને હજારોની સંખ્યામાં લોકોએ માણ્યો હતો.
સફેદ રણના આકાશમાં લાલ પટ્ટા પથરાશે : આ વખતે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના ધોરડોના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં આ એર શો યોજવામાં આવશે. સફેદ રણ ખાતેના વોચ ટાવરથી સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ સુધીના વિસ્તારમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજવામાં આવશે. જેમાં પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે, જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ : ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમની રચના વર્ષ 1996 માં કરવામાં આવી હતી. તે વિશ્વની ખૂબ જ ઓછી 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમોમાંની એક છે, અને આખા એશિયામાં એકમાત્ર જ ટીમ છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભારતમાં 500 થી પણ વધુ એર શો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAEના એર શોમાં પણ ભારતીય વાયુસેનાની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેનાના સમર્પણ અને શ્રેષ્ઠતાના સાક્ષી બનવાની તક...
એરફોર્સ બેઝના મુખ્ય વહીવટી અધિકારી ગ્રુપ કેપ્ટન રાકેશ યાદવે માહિતી આપતા જણાવ્યું કે, સૂર્યકિરણ એરોબેટિક ટીમ સદૈવ સર્વોત્તમના સૂત્રને જાળવી રાખે છે, જે હંમેશા શ્રેષ્ઠ કહેવતનું યોગ્ય રીતે વર્ણન કરે છે. કચ્છમાં થનારા 3 એર શો કાર્યક્રમમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને લોકોને ભારતીય વાયુસેનાના સમર્પણ અને શ્રેષ્ઠતાના સાક્ષી બનવાની તક મળી રહેશે. એર શોનો આનંદ માણવા પ્રેક્ષકોને બપોરે 03:30 વાગ્યા સુધીમાં સ્થળ પર બેસી જવા માટે જણાવવામાં આવ્યું છે.
હજારો લોકો માણશે એર-શો : ઉલ્લેખનીય છે કે, પિંગ્લેશ્વર બીચ પર સૂર્યકિરણ એરોબેટિક ટીમના એર શોને લઈને નલિયાના પ્રાંત અધિકારી, મામલતદાર, TDO તેમજ જખૌ મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત એરફોર્સના અધિકારી તેમજ મરીન કમાન્ડોના અધિકારીઓએ વ્યવસ્થા અને આયોજનને લઈને મિટિંગ પણ યોજી હતી. પિંગલેશ્વર બીચ પર 29 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે એર શો શરૂ થશે. પિંગ્લેશ્વર બીચ પર અંદાજે 5,000 લોકો, જ્યારે સફેદ રણમાં 10,000થી પણ વધુ લોકો આ એર શોનો આનંદ લેશે.