જુનાગઢ: મહા શિવરાત્રીના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન, પૂજા અને અભિષેકની વિશેષ તૈયારીઓ શરૂ થાય છે, લાખોની સંખ્યામાં આવતા શિવ ભક્તોને સુવિધા અને દર્શનને ધ્યાને રાખીને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા બાદ સતત 42 કલાક સુધી સોમનાથ મંદિરના કપાટ શિવ ભક્તો માટે સતત ખુલતા જોવા મળશે. જેમાં અભિષેક, આરતી, મહાપૂજા, ધ્વજા પૂજા અને પાલખીયાત્રાની સાથે પાર્થેશ્વર શિવલિંગ મહાપૂજા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું છે.
શિવરાત્રીને લઈને સોમનાથમાં વિશેષ આયોજન
26 તારીખ અને બુધવારના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ શિવરાત્રીના તહેવારને ધ્યાને રાખીને શિવ ભક્તો અને દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રીના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલશે. જે સતત 42 કલાક સુધી સતત દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે એટલે કે મંદિર ખુલ્લુ રહેશે.

શિવરાત્રીના પર્વે વિશેષ પૂજા, અભિષેક, ધ્વજા પૂજા, પાઘ પૂજા, પાર્થેશ્વર શિવલિંગ પૂજા સહિત ગંગાજળ અભિષેક અને બિલ્વપત્રના અભિષેક જેવા વિશેષ આયોજન થકી સોમનાથ મંદિર ટ્રસ્ટ શિવરાત્રીના દિવસે પ્રત્યેક શિવભક્ત અને ભોળાનાથના દર્શને આવતા ભાવિકો માટે વિશેષ આયોજન કરી રહ્યું છે.

શિવરાત્રીના પર્વે પૂજા અને દર્શનનો સમય
મહાશિવરાત્રીના પર્વે વહેલી સવારે 4:00 વાગ્યે તમામ ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવશે, ત્યારબાદ વહેલી સવારે 6:00 વાગે મહાપુજા અને સવારે સાત વાગ્યે મહા આરતી થશે. જેનો લાભ પણ શિવ ભક્તો લઈ શકશે વધુમાં સવારે 7:30 કલાકથી સોમનાથ મંદિર ટ્રસ્ટની યજ્ઞ શાળામાં લઘુ યજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારબાદ મારુતિ બીચ પર સવારે 8:00 વાગે પાર્થેશ્વર શિવલિંગ પૂજનનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાશે.

સોમનાથ મંદિરે ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે આઠ કલાકે પ્રથમ ધ્વજા આરોહણ અને પૂજા કરીને મહા શિવરાત્રીના પર્વની શરૂઆત કરાશે. ત્યારબાદ સવારે 9:30 કલાકે વિશેષ પાલખી યાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવશે. સવારે 9:00 થી 10 શાંતિપાઠનું આયોજન પણ થયું છે. ત્યારબાદ પાઘ પૂજાની સાથે શોભા યાત્રા પણ કાઢવામાં આવશે. જેમાં શિવ ભક્તો સવારે ૧૦ થી ૧૧ કલાક સુધી જોડાઈ શકશે.
શિવરાત્રીના દિવસે પ્રથમ પ્રહર પૂજા અને આરતી
સવારે 11 થી મધ્યાન પૂજા અને 12:00 કલાકે આરતી કરવામાં આવશે. બપોરે 1:30 થી 2:30ના સમય દરમિયાન શિવભક્તોએ નોંધાવેલી બિલ્વ પૂજાનું આયોજન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય શિવરાત્રીના દિવસે મહામૃત્યુંજય યજ્ઞ પણ થશે. જે બપોરના 03 થી 06 કલાક સુધી આયોજિત થનાર છે.

આ સિવાય મહા શિવરાત્રીના દિવસે ખાસ શ્રૃંગાર દર્શન જે સાંજના 04 વાગ્યાથી લઈને રાત્રિના 8:30 વાગ્યા સુધી શિવ ભક્તો કરી શકશે. ત્યારબાદ આઠ વાગ્યાથી પ્રક્ષાલન પૂજન અને આરતીનું આયોજન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

મહા શિવરાત્રીનુ મહાપર્વ ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન
શિવરાત્રીના દિવસે પ્રથમ પ્રહર પૂજન 8:00 વાગ્યે અને ૪૫ મિનિટે થશે, ત્યારબાદ રાત્રે 9:30 કલાકે પ્રહર આરતી અને રાત્રે 10:15 કલાકે પ્રહર પૂજનનું આયોજન પણ કરાયું છે. ત્યારબાદ શિવરાત્રીના દિવસે અંતિમ ચરણની પૂજા દરમિયાન ચતુર્થ પ્રહાર પૂજન જે વહેલી સવારે 04 વાગ્યે અને 45 મિનિટે થશે. ત્યારબાદ સવારે 05 વાગ્યે અને 30 કલાકે ચતુર્થ પ્રહાર આરતી કરીને મહા શિવરાત્રીનુ મહાપર્વ ધામધૂમ પૂર્વક ઉજવવાનુ આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ કરી રહ્યું છે.