કચ્છ: કચ્છ યુનિવર્સિટીના વોકેશનલ સ્ટડીઝ અને ફાઈન આર્ટ વિભાગ અને બી.વોક હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચ્છની કલા, સંસ્કૃતિ અને સ્વાદના સંગમ સમાન એક અનોખી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર યુનિવર્સિટીના વિધાર્થીઓ જ નહીં. પરંતુ સમગ્ર કચ્છના લોકો ભાગ લઈ શકશે.
કલા, પ્રવાસન અને સ્વાદ સંબંધિત હરિફાઈ: સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કોલેજ કે યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓપન કચ્છ હરિફાઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છની કલા, સંસ્કૃતિ અને સ્વાદના સંગમ સબંધિત હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના વારસાનું પ્રદર્શન કરતી લાઇવ ભીંતચિત્ર રચનાઓ, ટ્વિસ્ટ સાથે કચ્છી વાનગીઓ, આરોગ્યને ધ્યાનમાં રાખીને સલાડ બનાવવા સાથે કચ્છના અનએક્સપ્લોર પ્રવાસન સ્થળોની રીલ બનાવવાની હરિફાઈ રાખવામાં આવી છે.
સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત: કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. રૂપલ દેસાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટી ખાતે 28મી ફેબ્રુઆરીના રોજ વિવિધ 4 જેટલી ઓપન કચ્છ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો જ તેઓ હરિફાઈમાં જોડાઈ શકશે. આ ઓપન કચ્છ હરિફાઈમાં વોલ પેઈન્ટિંગ, કચ્છી ડિશ વિથ ટ્વિસ્ટ, સલાડ મેકિંગ અને રીલ મેકિંગ ઓન અનએક્સપ્લોર કચ્છ ટુરિઝમ એમ 4 સ્પર્ધાઓ રાખવામાં આવી છે.

ગુગલ ફોર્મ લિંક પર રજિસ્ટ્રેશન: કચ્છ યુનિવર્સિટીમાં 28 ફેબ્રુઆરીથી આયોજિત થનારી હરિફાઈના માર્ગદર્શક ડો. કશ્મીરા મહેતા અને આયોજક ડો. રુપલ દેસાઈ અને જીગર સોની છે. ભાગ લેવા માંગતા લોકોએ રજિસ્ટ્રેશન કરાવવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે યુનિવર્સિટીનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ આપેલ ગુગલ લિંક પર ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
(https://forms.gle/qyy78cxqYsJH9sh27)
કચ્છ યુનિવર્સિટીમાં આર્ટ અને ટુરિઝમના કોર્સ: ઉલ્લેખનીય છે કે, કલા, રસોઈ-કૌશલ્ય અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત હરિફાઈ યોજાવામાં આવી છે. ત્યારે ભાગ લેવા માંગતા સ્પર્ધકોને કચ્છ યુનિવર્સિટી દ્વારા અપીલ કરવામાં આવી હતી. આધુનિક યુગના ટ્રેન્ડ મુજબ કચ્છ યુનિવર્સિટી દ્વારા યુવાનો માટે ફાઈન આર્ટ અને ટુરિઝમને સાંકળતા કોર્સ પણ ચાલુ કરવામાં આવ્યા છે.
કચ્છ યુનિવર્સિટી દ્વારા મુજબની હરિફાઈ આયોજિત કરવામાં આવી છે:
(1)વોલ પેઈન્ટીંગ હરિફાઈ: આ હરિફાઈ યુનિવર્સિટી અને અન્ય કોલેજોના તમામ વિદ્યાર્થીઓ, કલાકારો અને કચ્છના તમામ લોકો માટેની છે. આ વોલ પેઇન્ટિંગની થીમ 'કચ્છની સંસ્કૃતિ અને વારસા' પર રાખવામાં આવી છે. તેના સંબંધિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધકોએ બનાવવાની રહેશે. સ્પર્ધકોએ તેમની આર્ટવર્ક દોઢ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જેમાં 27 ફેબ્રુઆરીના રોજ સવારથી શરુ કરીને 28મી ફેબ્રુઆરીના સવારના 11 વાગ્યા સુધીમાં તેમને વોલ પેઇન્ટિંગ કરવાની રહેશે. જેમાં એક્રેલિક વોલ પેઇન્ટ રંગોના ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે કોઈ ડિજિટલ આર્ટવર્કની પરવાનગી નથી. સ્પર્ધકોએ કચ્છ યુનિવર્સિટીની બાઉન્ડ્રી વોલના 4(W) X 5(H) ફીટ એરિયામાં આર્ટવર્ક બનાવવું રહેશે. સ્પર્ધકોએ બનાવેલું આર્ટવર્ક તેમનું પોતાનું હોવું જરૂરી છે. તમામ સ્પર્ધકોને કચ્છ યુનિવર્સિટી દ્વારા રંગો, બ્રશ, પેન્સિલ જેવી સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે.
નિર્ણાયક માપદંડ: આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના નિર્ણાયક માપદંડમાં સર્જનાત્મકતા અને મૌલિકતા, થીમ સાથે સુસંગતતા, ટેક્નિક અને કૌશલ્ય અને થીમ મુજબની સ્પર્ધકોની રજૂઆત કેવી છે. તે મુજબ નિર્ણાયકો નિર્ણય લેશે.
(2) ટ્વિસ્ટ સાથે કચ્છી વાનગી હરિફાઈ: સ્પર્ધકોએ આ હરિફાઈમાં કચ્છની વાનગીઓને અનોખા ટ્વિસ્ટ સાથે જેમ કે, ફ્યુઝન ઇન્ગ્રેડિયન્ટ, આધુનિક પ્રેઝન્ટેશન અથવા તેના કચ્છી વાનગીની મૌલિકતા જાળવી રાખીને તેને વિવિધતાથી રજૂ કરવાની રહેશે. સ્પર્ધકોએ બધી વાનગીઓ પહેલેથી જ સંપૂર્ણપણે રાંધેલી અને તૈયાર કરીને લાવવાની રહેશે. સ્પર્ધા સ્થળ પર માત્ર અંતિમ પ્લેટિંગ અને સુશોભિત કરી શકાશે. મૂલ્યાંકન માટે તમામ સ્પર્ધકોએ 3 પ્લેટ રજૂ કરવાની રહેશે. દરેક સ્પર્ધકોએ તેમની વાનગીની વિશેષતાને સંક્ષિપ્તમાં સમજાવવાની રહેશે. તેની સાથે જ કચ્છી ડિશમાં આપેલા પોતાના ટ્વિસ્ટ પાછળની પ્રેરણા અને વપરાયેલી મુખ્ય સામગ્રી અંગે પણ માહિતી જણાવવાની રહેશે. સ્પર્ધકોએ તાજા અને પોતે ઉપયોગમાં લઈ શકે તેવી વસ્તુઓ ઉપયોગમાં લેવાની રહેશે. વાનગીમાં વાપરવામાં આવતી તમામ ઘટકોની યાદી પણ જણાવવાની રહેશે. નિષ્ણાંતોની પેનલ દ્વારા ઇનોવેશન 30 ટકા, સ્વાદના 30 ટકા, પ્રેઝન્ટેશનના 20 ટકા અને સાંસ્કૃતિક સારના 20 ટકાના આધારે નિર્ણય લેવામાં આવશે.
(3) સલાડ મેકિંગ હરિફાઈ: આ હરિફાઈમાં સ્પર્ધકોએ પહેલાથી ધોયેલ અને જરૂરી હોય તો પહેલાથી રાંધેલી તમામ જરૂરી સામગ્રી લાવવાની રહેશે. શાકભાજી કે ફળોને હરિફાઈ સ્થળ પર કાપવાની અને છીણવાની મંજૂરી રહેશે. સ્પર્ધકોને યુનિવર્સિટીમાં 60 મિનિટની અંદર તેમની ડિશને લગતી તમામ એસેમ્બલિંગ, સુશોભન અને ક્રિએટિવ ડેકોરેશન કરવાની રહેશે. સ્પર્ધકોએ થીમ-આધારિત ડેકોરેશન કરવાનું રહેશે. જેમ કે, તહેવાર, પ્રકૃતિ, સંસ્કૃતિ, આરોગ્યને અનુસરતું હોવું જોઈએ. સ્પર્ધકોએ પોતે તૈયાર કરેલા સલાડ અંગે નિર્ણાયકોને સંક્ષિપ્તમાં ખ્યાલ સમજાવવાનો રહેશે. સલાડમાં સ્વચ્છ અને તાજા ઘટકો હોવા જોઈએ અને આરોગ્યપ્રદ પણ હોવા જોઈએ. કૃત્રિમ અથવા અખાદ્ય સુશોભન વસ્તુઓના ઉપયોગ પર સખત પ્રતિબંધિત છે. નિર્ણાયત માપદંડમાં નિષ્ણાંતોની પેનલ દ્વારા સર્જનાત્મકતાના 30 ટકા, પ્રેઝેન્ટેશનના 30 ટકા, કલર કોમ્બિનેશનના 20 ટકા અને સંપૂર્ણ હરિફાઈને અનુરુપ અપીલ કરતા 20 ટકાના આધારે નિર્ણય લેવાનો રહેશે.
(4) અનએક્સપ્લોર્ડ કચ્છ ટુરીઝમ પર રીલ મેકિંગ: સ્પર્ધકો દ્વારા બનાવવામાં આવેલી રીલ કચ્છના અનએક્સપ્લોર્ડ પર્યટન સ્થળ પર કેન્દ્રિત કરતી હોવી જોઈએ. જેમાં તે પ્રવાસન સ્થળની વિશિષ્ટતા, સાંસ્કૃતિક અથવા કુદરતી મહત્વ અને પ્રવાસન વિકાસ માટેની સંભવિતતાને પ્રકાશિત કરતી હોવી જોઈએ. સ્પર્ધકોએ રીલમાં તેમનું વૉઇસ-ઓવર અથવા વૉકલ શામેલ હોવું આવશ્યક છે. જેમાં પ્રવાસન સ્થળનું મહત્વ અને કોઈપણ ઐતિહાસિક અથવા સાંસ્કૃતિક પાસાઓને સમજાવતો વોઇસ ઓવર હોવો જોઈએ. તો રીલ 60 થી 90 સેકન્ડની વચ્ચે હોવી જોઈએ. સ્પર્ધકોએ 27મી ફેબ્રુઆરી સુધીમાં તેમની રીલ્સ અપલોડ કરવાની રહેશે.
નિયમો: સ્પર્ધકો દ્વારા સબમિટ કરાવવામાં આવેલી રીલ તેમના દ્વારા બનાવેલી હોવી જરૂરી છે. કોઈપણ બાહ્ય ક્લિપ્સ, સંગીત અથવા ઉપયોગમાં લેવાતી કૉપિરાઇટ ક્લિપ્સ કે ફોટો લઈને બનાવેલી ન હોવી જોઈએ. અન્ય ક્રિએટરની ક્લિપ્સ ચોરી અથવા AI-જનરેટેડ રીલ્સને પણ ગેરલાયક ઠેરવવામાં આવશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો થીમને સુસંગતતા માટે 25 પોઈન્ટ, સર્જનાત્મકતા અને વિઝ્યુઅલ અપીલ માટેના 25 પોઈન્ટ, વોઈસ ઓવર અને એક્સપ્લેનેશનની ગુણવત્તાના 25 પોઈન્ટ અને ટેકનિકલ ગુણવત્તાના 25 પોઈન્ટ સાથે નિર્ણયો લેશે.
આ પણ વાંચો: