ભરૂચ શહેર અને જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, જન જીવન પ્રભાવિત
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેર અને જીલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભરૂચ પંથકમાં વરસેલા ભારે વરસાદના પગલે ટંકારીયા ગામે આવેલા તળાવ ઓવરફલો થયું હતું. જેના પગલે પાણી ગામના પાદર પર ભરાયા હતા. પાણી ભરાતા જન જીવન પ્રભાવિત થયું હતું. જ્યારે ભારે વરસાદના કારણે આમોદ આછોદ રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણીના કારણે રસ્તો બંધ થતા ગામજનોએ 10 કી.મી.નો ફેરાવો સહન કરવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે માંચ ગામે મસ્જીદની ઓરડીના પતરા ઉડી ગયા હતા. જોકે સદ્નનસીબે કોઈ જાનહાની થઇ નહોતી. જ્યારે બીજી બાજુ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સિઝનમાં બીજી વખત ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા નદી તેના વોર્નિંગ લેવલ 22 ફૂટથી 4 ફૂટ દુર છે. ત્યારે નર્મદા નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.