જુનાગઢ: ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભવનાથ તળેટીમાં સમગ્ર દેશમાંથી નાગા સંન્યાસીઓના ધૂણા લાગી ચૂક્યા છે. 22 ફેબ્રુઆરી સવારે 9:00 કલાકે ભવનાથ મહાદેવ મંદિર પર નૂતન ધ્વજારોહણ સાથે 5 દિવસના ધાર્મિક ઉત્સવની શરૂઆત થશે.
મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ: આદિ અનાદિ કાળથી ભવનાથની ગીરી તળેટીમાં મહાવદ નોમથી લઈને મહાવદ તેરસ સુધી મહાશિવરાત્રીના મેળાનું આયોજન થતું આવ્યું છે. આવતી કાલે વહેલી સવારે 9:00 કલાકે ગિરનાર મંડળના સાધુ-સંતો અને સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓ, અખાડાઓ અને મઠોના દિગંબર ગાદીપતિઓ દ્વારા વિધિવત રીતે નૂતન ધ્વજારોહણનું પૂજન કરીને મેળાની શરૂઆત થવા જઈ રહી છે.
નાગા સાધુઓએ ધખાવ્યા ધૂણા: સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં નાગા સંન્યાસીઓએ ભવનાથની તળેટીમાં ધુણા લગાવી દીધા છે. મહાશિવરાત્રીના મેળાને જીવ અને શિવના મિલન રૂપે પણ જોવામાં આવે છે. જેથી સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ 5 દિવસ દરમિયાન મેળામાં આવતા જોવા મળે છે.
નાગા સન્યાસીઓ મેળાનું એકમાત્ર આકર્ષણ: મહાશિવરાત્રીના મેળામાં સમગ્ર દેશમાંથી નાગા સંન્યાસીઓ આવતા હોય છે. જે મેળાનું એકમાત્ર આકર્ષણ ઊભુ કરે છે. શિવપુરાણ અને સનાતન ધર્મની પરંપરા અનુસાર નાગા સંન્યાસીઓને શિવના સૈનિક તરીકે પણ જોવામાં આવે છે. એવી લોકવાયકા પણ પ્રસિદ્ધ છે કે, મેળાના 5 દિવસ દરમિયાન ભગવાન શિવ સ્વયં નાગા સંન્યાસીના રૂપમાં ભવનાથમાં હાજર હોય છે. જેથી પણ મહાશિવરાત્રીનો આ મેળો સમગ્ર વિશ્વમાં અલગ તરી આવે છે. ત્યારે આવતી કાલથી શરૂ થઈ રહેલા મહાશિવરાત્રીના મેળાને લઈને નાગા સંન્યાસીઓ દ્વારા ધુણા ધખાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: