સુરત: RTI એક્ટિવિસ્ટની આડમાં ખંડણીખોરીના ગોરખધંધા કરી પાલિકાના અધિકારીઓ-બિલ્ડરોને બ્લેકમેઈલ કરતા તત્ત્વો પર આખરે પોલીસની ગાજ વરસી છે. પોલીસે કડક તેવર અપનાવી 10 RTI એક્ટિવિસ્ટ્સ પર કાયદાનો કોરડો વીંઝ્યો છે. ખોટી રીતે પરેશાન કરી ખંડણી માંગનારા તત્ત્વો વિરુદ્ધ નિડર થઇ ફરિયાદ માટે આગળ આવવા પણ કમિશનરે અપીલ કરી છે.
ધારાસભ્ય અરવિંદ રાણાની એક્શન લેવાની માંગ: સુરત શહેરમાં RTIના કાયદાનો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે. RTIના શસ્ત્ર થકી તંત્રના કાન આમળવાને બદલે કેટલાક તત્ત્વોએ બ્લેકમેઇલિંગની હાટડી શરૂ કરી દીધી હતી. RTI એક્ટિવિસ્ટ્સ બની કેટલાક તત્ત્વો રીતસર લૂંટ મચાવી રહ્યા છે. પાલિકા અધિકારીઓ, બિલ્ડરો, વેપારીઓ આવા ખંડણીખોરોથી તોબા પોકારી ઉઠ્યા હતા. આ મામલે પોલીસ કમિશનરથી લઇ મુખ્યમંત્રી સુધી વ્યાપક ફરિયાદો પણ થઈ ચૂકી છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ RTI એક્ટિવિસ્ટ્સના જુલમ સામે અવાજ ઉઠાવી 18 એક્ટિવિસ્ટ્સના નામ સાથેની વિગતો ગાંધીનગર સુધી રજૂ કરી કડકમાં કડક એક્શન લેવાની માંગ કરી હતી.
પોલીસ મથકોમાં 13 ગુના નોંધાયા: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પણ આખરે RTIના નામે અધિકારીઓ-બિલ્ડરોને રંજાડતા તત્ત્વો પર કડક એક્શન લેવાના આદેશો જારી કર્યા હતા. જે અંતર્ગત SOGના DCP રાજદીપસિંહ નકુમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાલિકા કચેરીની બહાર અડ્ડો જમાવી ગેરકાયદે બાંધકામ મામલે ખોટી અરજીઓ કરી લોકોને હેરાન-પરેશાન કરતી ટોળકી અંગે વિગતો મેળવી હતી અને આખરે આવા તત્ત્વો કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં લાલગેટ, મહિધરપુરા અને અઠવા પોલીસ મથકોમાં 13 ગુના નોંધાયા છે, જેમાં હબીબ સૈયદ, મુસ્તાક બેગ અને સાકીર મસ્તાનની ધરપકડ કરી વરઘોડો પણ કઢાયો હતો. પોલીસે આરોપીઓને ખાખીનો પરચો પણ બતાવ્યો હતો.

સામાન્ય નાગરિકોને આગળ આવવા અપીલ: પોલીસની તવાઈ આવતા કેટલાક ખંડણીખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ જાણવા મળે છે. બીજી તરફ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ RTIની આડમાં ખોટી રીતે હેરાન કરતા તત્ત્વોથી ડરી જવાને બદલે હિંમતભેર કહો કે, નીડર થઈ પોલીસ ફરિયાદ માટે આગળ આવવા સામાન્ય જનને અપીલ પણ કરી હતી. આગામી દિવસોમાં વધુ ગુના દાખલ થવાની વકી છે.

પાલિકાની મહિલા કર્મચારી રૂબીનાની પૂછપરછ: પોલીસના જણાવ્યા પ્રમાણે પાલિકાની મહિલા કર્મચારીની આ પ્રકરણમાં શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે. મહિલા કર્મચારી મુસ્તાકની બહેન છે. તે મિલકતોના નક્શા પોતાના ભાઇને બારોબાર આપી દેતી હતી. જે થકી મુસ્તાક RTI કરી બ્લેકમેલ કરતો હતો. કોઇપણ મિલકતની માહિતી-નક્શો બારોબાર આપી શકાય નહી. જે ગંભીર બાબત છે. બિલ્ડરોના પ્રોજેક્ટની માહિતી આપવા મામલે પાલિકાના અન્ય કર્મચારીઓની સંડોવણી પણ નકારી શકાય નહી. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ભૂતકાળમાં પાલિકાના અધિકારી અને કર્મચારીઓ જ ખંડણીખોરોને ટીપ્સ આપતા હોવા બાબતે વિવાદ થયો હતો. પોલીસ આ બાબતે પણ ખરાઈ કરી રહી છે. શહેરમાં પાલિકામાં અન્ય ઝોનમાં પણ આરટીઆઈ એક્ટિવિસ્ટનો ભારે ત્રાસ છે.
આ પણ વાંચો: