જૂનાગઢ: કેશુડા જેને વસંતનો રાજા પણ કહેવામાં આવે છે, પોપટની ચાંચ જેવો એકદમ કેસરી રંગના કેસુડા આ સમયમાં સર્વત્ર ખીલેલા જોવા મળે છે. તમામ ઝાડ પર્ણ કે ફુલ વગરના થઈ જાય છે. આવા સમયે કેસુડા પુર બહારમાં ખીલેલા જોવા મળે છે. જેથી તેને વસંતનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેસુડા આયુર્વેદિક દ્રષ્ટિએ શરીર માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યા છે. આ સિવાય કેસુડાનો ઉપયોગ ધર્મ કાર્યમાં પણ ખૂબ થતો જોવા મળે છે.
વસંતનો રાજા એટલે કેસુડા: આમ, વસંત ઋતુમાં એકમાત્ર ફુલ જોવા મળે છે જેનું નામ છે કેસુડા. આ સમયે સર્વત્ર ખીલેલા કેસુડાને કારણે ચારે તરફ કેસરિયો માહોલ જોવા મળે છે. ચારે તરફ કેસુડા ખીલેલા હોવાને કારણે જંગલમાં જાણે કે આગ લાગી હોય તે પ્રકારનું આબેહૂબ દ્રશ્ય ઊભું થાય છે. જેથી કેસુડાને અંગ્રેજીમાં ફ્લેમ ઓફ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સમયે મોટાભાગના ઝાડ પર્ણ અને પુષ્પો વગરના જોવા મળે છે, પરંતુ કેસુડા પર લુંમ્બે અને ઝુંબે પુષ્પો જોવા મળતા હોય છે. તેથી તેને વસંતના રાજાનું ઉપનામ પણ મળ્યું છે. કેસુડાને માત્ર વસંતના રાજા છે તેવું પણ નથી પરંતુ તેના આયુર્વેદિક અને ધાર્મિક દ્રષ્ટિએ ઉપયોગ પણ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે.

કેસુડાનું આયુર્વેદિક મહત્વ: કેસુડાના પુષ્પને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ એકદમ મહત્વના માનવામાં આવે છે. આયુર્વેદ તબીબ ડૉ. આરતી રૂપાણી કેસુડાના પુષ્પોના ગુણધર્મને લઈને જણાવે છે કે, 'ગર્ભાવસ્થા દરમિયાન કેસુડાના પાન ખાવાથી ખૂબ જ તેજસ્વી અને વીર્યવાન બાળકનો જન્મ થાય છે. આ સમય દરમિયાન હવે ધીમે ધીમે ગરમીની શરૂઆત થતી હોય છે, જેથી કેસુડાના પાનનો ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિને લુ લાગતી નથી. કેસુડાનું ઝાડ ગરમ પ્રકૃતિ ધરાવે છે પરંતુ ફૂલ ખૂબ ઠંડો હોવાને કારણે ખૂબ તરસ લાગતી હોય આવી સ્થિતિમાં કેસુડાના પુષ્પના પર્ણો ખૂબ જ મહત્વના બને છે.'

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, 'આ સિવાય શરીર અને આંખોમાં થતી બળતરાનો અકસીર ઉપચાર તરીકે કેસુડાના પુષ્પોમાંથી બનાવેલું પાણી કોઈ પણ વ્યક્તિને શરીર અને આંખની બળતરામાંથી રાહત આપે છે. ચામડીના રોગોમાં પણ કેસુડા એકદમ અક્સીર માનવામાં આવે છે. આ સિવાય પેશાબની બળતરાની બીમારીમાં કેસુડાના ફૂલનો ઉકાળો બનાવીને તેને પીવામાં આવે તો પેશાબની બળતરા દૂર થાય છે. સાથે સાથે તેના બી કરમિયાની ઉત્પત્તિ અટકાવવા માટે પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે.'

કેસુડા નો ધાર્મિક મહત્વ: કેસુડાનું ધાર્મિક મહત્વ પણ આટલું જ જોવામાં આવે છે. માતા પાર્વતીએ અગ્નિદેવને શ્રાપિત કર્યા હતા અને પૃથ્વી પર વૃક્ષ બનીને જીવતર જીવવાનો શ્રાપ આપ્યો હતો. જેને કારણે અગ્નિદેવે કેસુડાનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર માતા પાર્વતીના શ્રાપને કારણે આવ્યા હતા. મહાકાળીને કેસુડાના ફૂલો અર્પણ થાય છે. તેની પાછળની પણ એક ધાર્મિક માન્યતા એવી છે કે, પૌરાણિક કાળમાં મહાકાળીને રક્ત બલી આપવામાં આવતી હતી જેના પ્રતિક રૂપે કેસુડાના પુષ્પો મહાકાળીને અર્પણ કરીને રક્ત બલીના રૂપમાં અર્પણ કરવામાં આવે છે.

પોપટની ચાંચ જેવા ત્રણ પર્ણો ધરાવતા કેસુડાના પુષ્પા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપે પણ જોવામાં આવે છે. વસંત ઋતુમાં ઠાકોરજીને કેસુડાના પુષ્પમાંથી બનાવવામાં આવેલા પવિત્ર જળથી સ્નાન કરાવવાની વિધિ પણ ધર્મમાં ખૂબ જ મહત્વની જોવા મળે છે જેની સાથે પણ કેસુડા જોડાયેલા છે.

આ પણ વાંચો: