ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને પાકિસ્તાન સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર પરથી ભારતીય અધિકારીઓને સુપ્રત કર્યા બાદ આગામી બે-ત્રણ દિવસમાં મુક્ત થયેલા 22 માછીમારો વેરાવળ બંદરે આવે તેવી શક્યતા છે. જે માછીમારોને પાકિસ્તાન સરકારે છોડવાનો નિર્ણય કર્યો છે તે તમામ કોઈને કોઈ બીમારીમાં સપડાયેલા હોવાની માહિતી છે.
22 માછીમારોની વતન વાપસી : પાકિસ્તાન સરકારે જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા મુક્ત કરવામાં આવેલા તમામ 22 માછીમારો આગામી દિવસોમાં વેરાવળ બંદરે આવે તેવી શક્યતા છે. ભારત અને પાકિસ્તાન સરકારના વિદેશ મંત્રાલય દ્વારા માછીમારોને મુક્ત કરવાની સંમતિ થઈ હતી. જે પૈકી મુક્ત થયેલા તમામ 22 માછીમારો વાઘા બોર્ડર ખાતે ભારત સરકારના અધિકારીઓને સુપ્રત કરવામાં આવશે.
ગુજરાત ક્યારે પહોંચશે માછીમારો ? ભારતની વાઘા બોર્ડરથી ફિસરિસ વિભાગના અધિકારીઓ તમામ 22 માછીમારોનો કબજો મેળવીને તેમને વેરાવળ બંદરે લાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આગામી બે-ત્રણ દિવસમાં મુક્ત થયેલા તમામ ભારતના માછીમારો વેરાવળ બંદરે આવી પહોંચે તેવી શક્યતા છે.
બીમારીમાં સપડાયેલા માછીમારો : પાકિસ્તાન સરકારે જે માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે, તે તમામ માછીમારો કોઈને કોઈ બીમારીના ભોગ બનેલા હતા. જેથી પાકિસ્તાન સરકારે તેમને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જે 22 માછીમારો ભારત આવી રહ્યા છે તેઓ કિડની, લીવર, ફેફસા, આંખ અને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓમાં સપડાયેલા હતા. તેઓનો પાકિસ્તાનની જેલમાં પ્રાથમિક ઉપચાર કરવામાં આવતો હતો.
પાકિસ્તાનની જેલમાં માછીમારોનું મોત : આ તમામ માછીમારો કેટલાક કિસ્સામાં ગંભીર કહી શકાય તેવી બીમારીમાં સપડાયેલા છે, જેથી પાકિસ્તાની સરકારે આ તમામ માછીમારોને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા ત્રણ-ચાર મહિનામાં પાકિસ્તાનની જેલમાં ભારતના ત્રણથી વધારે માછીમારો બીમારીને કારણે મોત થયું છે. જેને લઈને પાકિસ્તાન સરકારે બીમાર માછીમારોને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો હશે તેવું પ્રાથમિક તારણ સામે આવે છે.