Surat Rain : સુરતમાં ભારે વરસાદ, કીમમાં ડ્રેનેજ લાઇન બ્લોક થઈ ગઈ,ત્રણેય નદીઓ બે કાંઠે
🎬 Watch Now: Feature Video
સુરત : સુરત જિલ્લાના તાલુકાઓમાં આજરોજ સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.જેને પગલે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સુરત જિલ્લામાં આજે તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો.
ડ્રેનેજ લાઈન બ્લોક થઇ જતાં પાણીનો ભરાવો : ઓલપાડ તાલુકાના કીમ ગામે ભારે વરસાદને પગલે સાઈ રામ કોમ્પ્લેક્સ સામે પસાર થતા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયું હતું.જેથી રોડ પર અવર જવર કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ઓલપાડના કુડસદ ગામની સીમમાં આવેલ GIDC વિસ્તારમાં પણ ડ્રેનેજ લાઈન બ્લોક થઇ જતાં પાણીનો ભરાવો થયો હતો.
ત્રણેય નદીઓ બે કાંઠે : ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે સુરત જિલ્લાના છેવાડે આવેલ મહુવા તાલુકામા પસાર થતી પૂર્ણા, ઓલણ અને અંબિકા નદી ગાંડીતૂર બની ગઈ છે.ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે જેને પગલે નદીના કાંઠા વિસ્તાર નજીક કોઈપણ વ્યક્તિએ ન જવા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. મહુવાના કરચેલિયા ગામના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.વરસાદી સિઝનની શરૂઆતથી સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.
કેટલો વરસાદ વરસ્યો : સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સવારે 6.00 થી સાંજના 6.00 વાગ્યા દરમિયાન 88 મી.મી. અને ચોર્યાસીમાં 65 મી.મી. વરસાદ પડી રહ્યો હતો. જ્યારે કામરેજમાં 14 મી.મી., માંડવીમાં 4, બારડોલીમાં 18 મી.મી. સુરત શહેરમાં 12 મી.મી. ઓલપાડમાં 27 મી. મી., પલસાણામાં 44 અને બારડોલી તાલુકામાં 18 મી. વરસાદ નોંધાયો હતો. આજે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, સાંજે 6.00 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક 54946 ક્યુસેક અને જાવક 600 ક્યુસેક હોવાથી ડેમની સપાટી 319.61 ફૂટે પહોંચી છે.